Himatnagar News: હિંમતનગરમાં કાળ બનીને ત્રાટક્યા સગા દીકરાઓ, લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની હત્યા કરી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 10 Dec 2023 12:50 PM (IST)Updated: Sun, 10 Dec 2023 12:51 PM (IST)
himatnagar-news-two-sons-killed-his-father-in-fight-over-fathers-liquor-drinking-habits

Himatnagar News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુરમાં કાલ બનીને બે સગા દીકરા પિતા પર ત્રાટક્યા હતા. પિતાને લાકડી અને કોદાળીના ઘા ઝીંક્યા હતા. ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને પુત્રો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના પત્નીએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોતાના બે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના પતિ નારાયણ રાવળને દારુ પીવાની ટેવ હતી અને તે વારંવાર પરિવારજનો સાથે ઝગડો કરતા હતા. જેથી તેમનો મોટો દીકરો અર્જૂન છેલ્લા પાંચ વર્ષથી પોતાની પત્ની અને સંતાનો સાથે ઇડર ભાડાના મકાનમાં રહેવા માટે જતો રહ્યો હતો. હિંમતનગર જીઈડીસીમા કામ કરતો હોવાથી તે અવાર-નવાર વક્તાપુર આવીને તેની માતા સુભદ્રાબેનને મળતો હતો. આ દરમિયાન છેલ્લા થોડા દિવસથી નારાયણભાઈની માથાકૂટ વધી ગઇ હતી.

નારાયણભાઈની માથાકૂટ વધી જતાં સુભદ્રાબેને પોતાના મોટા દીકરા અર્જૂનને તેના પિતાને સમજાવવા માટે ઇડરથી બોલાવ્યો હતો. છેલ્લા બે દિવસથી અર્જૂન વક્તાપુરમાં હતો. ગત 8 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે નારાયણભાઈ દારુ પીને ઘરે આવ્યા હતા અને પત્ની સુભદ્રાબેનને ગાળો બોલવા લાગ્યા હતા. એ સમયે ત્યાં હાજર તેમના મોટા દીકરા અર્જૂનને પિતા નારાયણભાઈને ગાળો નહીં બોલવા સમજાવ્યા હતા. પરંતુ પિતા માન્યા ન હતા. જે દરમિયાન બીજો દીકરો મુકેશ પણ ઘરે આવી પહોંચ્યો હતો. તેણે પણ પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પિતા નારાયણભાઈએ સુભદ્રબેનને લાફા મારી દીધા હતા અને પુત્ર અર્જૂન તથા મુકેશને મારવા માટે કોદાળી હાથમાં લીધી હતી.

પિતા દ્વારા કોદાળી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા મુકેશ લાકડી લઇને પિતાને મારવા માટે દોડ્યો હતો. જેથી પિતા નારાયણભાઈ ઘરની પાછળના ભાગેથી ખેતર તરફ ભાગવા લાગ્યા હતા. અર્જૂન અને મુકેશ પણ હાથમાં લાકડીઓ લઇને તેમની પાછળ દોડ્યા હતા. ઘરની પાછળ ખેતરમાં પિતા અને બન્ને પુત્રો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે જોઇને સુભદ્રાબેન પણ ત્યાં ગયા હતા. એ વખતે અર્જૂન અને મુકેશે પિતા નારાયણભાઈને જમીન પર પટક્યા હતા. જોકે નારાયણભાઈ ત્યાંથી ભાગીને ગામ તરફ જવા લાગ્યા હતા. અર્જૂન અને મુકેશ પણ તેની પાછળ ભાગ્યા હતા અને ગામમાં પિતાને લાકડી વડે માર માર્યો હતો.

બન્ને પુત્રો દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા પિતા નારાયણભાઈને માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. નારાયણભાઈ હાથમાં રહેલી કોદાળી મુકેશને મારવા જતા મુકેશે તે ઝુંટવી લીધી હતી અને પિતાના માથાના ભાગે મારી દીધી હતી. જેથી પિતા નારાયણભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સમયે આસપાસના લોકો આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત નારાયણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રો અર્જૂન અને મુકેશ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.