Himatnagar News: હિંમતનગરમાં નકલી પોલીસે આંગડીયા પેઢીના કર્મચારીઓનું અપહરણ કરી, 49.40 લાખના સોના-ચાંદીના પાર્સલની લૂંટ કરી; ધોળા દિવસે ઘટનાને અંજામ આપ્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 13 Mar 2024 09:47 AM (IST)Updated: Wed, 13 Mar 2024 09:47 AM (IST)
himatnagar-news-fake-police-abducted-angadiya-firm-employees-looted-gold-silver-parcels-worth-49-40-lakhs

Himatnagar News: હિંમતનગર ખાતે આવેલ બસ સ્ટેશન પાસે મંગળવારે સવારના સમયે આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હતી. બાઇક પર જતા આ કર્મચારીને નંબર વગરની ઇકોમાં આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ તેનું અપહરણ કરીને મહેતાપુર નજીક ઉતારી દઇ લૂંટ કરી ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને લૂંટારુઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે.

સોના-ચાંદીની લૂંટ કરી
આ અંગે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તથા બી-ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ એન.એન.રબારીના જણાવ્યા મુજબ, 'મંગળવારે સવારે 7.15 વાગ્યાની આસપાસ કમલેશ હસમુખભાઇ મીર તથા અન્ય કર્મચારી આંગડિયા પેઢીના સોના-ચાંદીના અંદાજે 57 પાર્સલ કે જેની કિંમત અંદાજે 49.40 લાખ થાય છે. આ પાર્સલ લઇને બાઇક દ્વારા બસ સ્ટેન્ડ બહાર આવેલ રેલ્વે સ્ટેશન જવાના રોડ પરથી જઇ રહ્યા હતા ત્યારે નંબર વગરની ઇકો તથા એસન્ટ કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ કમલેશ મીરને અટકાવીને કહ્યું કે, અમે પોલીસ છીએ, તમને છેલ્લા ત્રણ દિવસથી શોધી રહ્યા છીએ. તમે ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છો તેમ કહી માર મારવામાં આવ્યો હતો.'

પોલીસ ફરિયાદ નોંધાઇ
તેમની પાસે રહેલ પાર્સલનો થેલો ઝુંટવી લીધો હતો, ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી રહ્યા છે, તેમ કહીને ગાડીમાં બેસાડી દીધા હતા. વિજાપુર તરફ જતા હાઇવે પર આવેલ મહેતાપુરા જકાત નાકા પાસે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભોગ બનનારે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા પોલીસ વડા, એસઓજી, એલસીબી, પીઆઇ એલ.જી.રાઠોડ તેમજ સ્ટાફે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને તજવીજ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.