Rajkot: Zepto કસ્ટમર કેરના નામે ઑનલાઈન ફ્રોડ, બગડેલા દૂધનું રિફંડ મેળવવા જતાં વૃદ્ધાએ રૂ. 1.91 લાખ ગુમાવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 06:24 PM (IST)Updated: Fri, 07 Aug 2026 06:24 PM (IST)
zepto-customer-care-scam-elderly-woman-conned-of-rs-191-lakh-over-spoiled-milk-refund

Rajkot: ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નીકળતા તેનું રીફંડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ. 1.91 લાખ ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


જામનગર રોડ પરની ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા શોભાબેન પ્રમોદભાઈ રાઠી (ઉ.વ.63) એકલા મકાનમાં રહે છે. તેમનો પુત્ર પુલકિત જોધપુર એરબેઝ પર વિંગ કમાન્ડર તરીકે નોકરી કરે છે. પુત્રી આંચલ અમદાવાદમાં પરણેલી છે. તેમણે ગઇ તા.12 જૂનના રોજ ઝેપ્ટો એપ મારફત પાંચ લિટર દૂધ મંગાવ્યું હતું.

આ દૂધ બગડેલું હોવાથી કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા ગુગલમાં સર્ચ કરી નંબર મેળવ્યો હતો. જેની ઉપર સંપર્ક કરતા કોલરે પોતાનું નામ ઈસ્માઈલ અન્સારી જણાવી ઝેપ્ટો કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. જેણે રૂ. 17નું રીફંડ આપવાની ખાતરી આપી હતી.

જે બાદ વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી UPI ID મારફત રીફંડ આપવાની પ્રક્રિયા કરાવતા શોભાબેનના બેંક ખાતામાંથી રૂ. 97 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા.

જેથી તેમણે ગઠિયાને આ બાબતે જાણ કરતા તેણે રકમ પરત આપવાની વાત કરી રૂ. 95 હજાર તેમના ખાતામાં જમા થયાનો બેંક જેવો મેસેજ પર્સનલ નંબર પરથી મોકલ્યો હતો. તે મેસેજ બેંકમાંથી આવ્યાનું સમજી શોભાબેનને રૂ. 97 હજાર સામે રૂ. 95 હજાર જ જમા થયાનું કહેતા ગઠિયાએ બીજી વાર યુપીઆઈ આઈડી મારફત પ્રક્રિયા કરાવતા ફરીથી રૂ. 94,262 બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા.આ રીતે ગઠિયાઓએ રૂ. 1.91 લાખ ઉપાડી લેતા હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી પીઆઇ ફૂલતરીયાએ તપાસ હાથ ધરી છે.