Rajkot: ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ શેર બજારમાં રોકાણ કરનારા વેપારીના પુત્ર સાથે રૂ. 31.20 લાખની ઠગાઈ

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ રીલ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર બજારમાં રોકાણના નામે એક વેપારીના પુત્ર સાથે રૂ. 31.20 લાખની છેતરપિંડી થઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 06:05 PM (IST)Updated: Fri, 07 Aug 2026 06:05 PM (IST)
rajkot-cyber-fraud-news-businessman-son-loss-rs-31-lakh-in-stock-trading-scam

Rajkot: દિનપ્રતિદિન વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓ વચ્ચે રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોઈપણ જાતના પૂરતા વેરિફિકેશન વગર સોશિયલ મીડિયાના માધ્યમથી શેર બજાર અને IPOઓમાં રોકાણ કરવાના ચક્કરમાં લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યા છે. આવો જ એક ગંભીર બનાવ રાજકોટના સોની બજાર વિસ્તારમાં અરીહંત ટુલ્સ નામે વેપાર કરતા એક વેપારીના પુત્ર સાથે બન્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર આવેલી એક લલચામણી રીલ અને ત્યારબાદ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી શરૂ થયેલા કૌભાંડમાં વેપારીના પુત્રને કુલ રૂ. 31,20,246 જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધાવવામાં આવ્યો છે, જેના પગલે પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે.

રાજકોટમાં ગંગોત્રીપાર્ક મેઈન રોડ પર આવેલા સિલ્પન નોવા એપાર્ટમેન્ટમાં રહેતા હિરેનભાઈ ચીમનભાઈ વૈદ્ય (47) દ્વારા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હિરેનભાઈ સોની બજારની બોઘાણી શેરીમાં આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં ’અરીહંત ટુલ્સ’ના નામે સોની કામના સાધનો અને ટૂલ્સનો વેપાર સંભાળે છે.

ગત ફેબ્રુઆરી 2026 દરમિયાન તેમના પુત્ર હિતાર્થે આઈપીઓ તેમજ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ પણ પુત્રને પત્ની સોનલબેનના બેંક ખાતામાંથી જરૂરી નાણાકીય વ્યવહારો કરવાની છૂટ આપી હતી.

આ દરમિયાન યુવક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ્સ જોઈ રહ્યો હતો, ત્યારે તેને બિઝનેસ આઈડિયા સંબંધિત એક રીલ જોવા મળી હતી. આ રીલ ’સીએ સ્નેહા કેજરી5’ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરવામાં આવી હતી.

યુવકે તે રીલને લાઈક કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ ચેટ દ્વારા તે વ્યક્તિ સાથે વાતચીત શરૂૂ કરી હતી અને ત્યારબાદ તેને ’લાઈટ ઓફ આઈડિયલ 434’ નામના એક શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો.

આ વોટ્સએપ ગ્રુપના એડમિન તરીકે કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરો સક્રિય હતા અને તેમાં નિયમિતપણે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, આઈપીઓ તેમજ નફાકારક રોકાણ અંગેની ખોટી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. યુવકે અશંકા વગર લગભગ બેથી ત્રણ મહિના સુધી આ તમામ ટ્રેડિંગ માહિતીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેને પણ રોકાણ કરવાનો મોહ જાગ્યો હતો. તેણે વોટ્સએપના માધ્યમથી જ ગ્રુપના એડમિનનો સંપર્ક સાધ્યો હતો.

ગઠિયાઓએ તરત જ યુવકના મોબાઈલ પર એક લિંક મોકલી હતી અને તેના દ્વારા 'સ્ટોક ઈન્ડિયાન લર્ન' નામની ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું સૂચન કર્યું હતું. યુવકે પોતાના મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ પોતાના આધાર કાર્ડ તથા પાન કાર્ડની વિગતો આપી રજીસ્ટ્રેશન કર્યું હતું અને યુઝર આઈડી બનાવ્યું હતું.

જે બાદ શરૂઆતમાં તેને ફ્લેક્સી કેબ IPOમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એપ્લિકેશનમાં આપવામાં આવેલા કસ્ટમર સર્વિસ વિકલ્પ મારફતે જુદી જુદી બેંકોના ખાતા નંબર આપવામાં આવતા હતા, જેમાં નાણાં જમા કરાવ્યા બાદ એપના ડિજિટલ વોલેટમાં તે રકમ નફા સાથે દર્શાવવામાં આવતી હતી.

શરૂઆતના તબક્કામાં એપની અંદર યુવકને પોતાના રોકાણ પર સારો એવો નફો થતો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે તેનો વિશ્વાસ બેસી ગયો હતો. જો કે, જ્યારે તેણે પોતાના ખાતામાંથી રોકાણની રકમ અને નફો વિડ્રો માટે રિક્વેસ્ટ નાખી, ત્યારે નાણાં જમા થવાના બદલે પ્રક્રિયા અટકી ગઈ હતી.

આ અંગે સામાવાળા ગઠિયાઓનો સંપર્ક કરતા તેઓએ વિડ્રોઅલ માટે કુલ રકમના 10 ટકા જેટલું કમિશન તથા ટેક્સ પેટે વધુ નાણાં ભરવાની શરત મૂકી હતી. આમ છતાં અગાઉ જમા કરાવેલી રકમ કે નફો પરત આપવામાં આવ્યો ન હતો અને સતત બહાનાબાજી કરી વધુ રકમની માંગણી ચાલુ રાખી હતી. આ રીતે સાયબર માફિયાઓએ વેપારીના પુત્ર સાથે કુલ રૂ. 31,20,246 ની છેતરપિંડી આચરી હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોતાની સાથે મોટો ફ્રોડ થયાનું ધ્યાને આવતા જ યુવક અને તેના પરિવારના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક ધોરણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી પોતાની અરજી નોંધાવી હતી અને ત્યારબાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.