Chandipura Virus: જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક છ વર્ષીય બાળકનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જો કે બાળકના ચાંદીપુરા વાયરસના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
આ તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ તમામ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંને જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ સાત શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જો કે સારવાર દરમિયાન પાંચ ગંભીર બાળદર્દીઓના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાલમાં ત્રણ બાળદર્દીઓ સારવાર હેઠળ છે. તેમાં કાલાવડમાંથી શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયેલા બે વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ સારવાર હેઠળના એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં ગભરાટ નહીં પરંતુ સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિત કુલ 10 જેટલા બાળદર્દીઓને ચાંદી પુરા ના શંકાસ્પદ દર્દી તરીકે ગણવામાં આવ્યા હતા, અને સારવાર અપાઇ છે. જે પૈકી જી.જી. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળદર્દીઓના મૃત્યુ થયા બાદ જામનગર જિલ્લાના છઠ્ઠા શંકાસ્પદ બાળ દર્દીનું હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
