Western Railway: રાજકોટ-ભુજ વચ્ચે 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન 30 જૂન સુધી ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ ટ્રેન ચાલુ રાખવી કે કેમ તે બાબતનો નિર્ણય કરાશે. 09445/09446 રાજકોટ-ભુજ સ્પેશિયલ/ભુજ-રાજકોટ સ્પેશિયલ શરુ કરાશે.
ટ્રેનનો સમય અને સ્ટોપેજ
ટ્રેન નંબર 09445 રાજકોટથી બપોરે 2.30 વાગ્યે ઉપડશે જે રાત્રે 9.40 વાગ્યે ભુજ પહોંચાડશે. જ્યારે ટ્રેન નંબર 09446 ભુજથી સવારે 06.50 વાગ્યે ઉપડશે જે બપોરે 1.35 વાગ્યે રાજકોટ પહોંચાડશે. આ ટ્રેન ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીંસરા, મોરબી ઊભી રહેશે. જોકે, અંજાર અને આદિપુર સ્ટેશનની બાદબાકી કરાતાં કચવાટ ફેલાયો છે. 273 કિલોમીટરનું અંતર કાપવામા આ ટ્રેન 7 કલાકનો સમય લેશે. રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ સંચાલિત થનારી આ ટ્રેનનું પ્રાથમિક મેઇન્ટેનન્સ ભુજ અને એક્ઝામિનેશન રાજકોટ સ્ટેશને થશે.
WR will run a Special Train (Train no. 09446/09445) on Special Fare between Bhuj and Rajkot to meet passenger demand. Booking opens on 20th March 2025 at all PRS counters and the IRCTC website.#WRUpdates#HoliSpecialTrain @WesternRly pic.twitter.com/xyrwXyX3dX
— DRM Ahmedabad (@drmadiwr) March 19, 2025
રેલવે દ્વારા જણાવાયું હતું કે આ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે. ભુજ-રાજકોટ વચ્ચે વર્ષ-2003 આસપાસ આનંદ એક્સપ્રેસ દોડતી હતી જોકે પ્રવાસીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધરીને રેલવે દ્વારા એકાદ વર્ષમાં આ સેવા સમાપ્ત કરી દેવાઈ હતી. જે બાદ અનેક રજૂઆતો છતાં કચ્છથી સૌરાષ્ટ્રને જોડતી એકપણ રેલ સેવા શરૂ કરાઈ ન હતી જેના પગલે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો. ત્યારે અંતે આ માંગણી સંતોષાતા 21 માર્ચથી આ ટ્રેન સેવા શરુ થઈ રહી છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન હોવાથી મહત્તમ પ્રવાસીઓને આ નવી સુવિધાનો લાભ મળશે. ટ્રેન શરૂ થવાના સમાચાર મળતા કચ્છીઓમાં ખુશી ફેલાઈ હતી.
ટ્રેનમાં આ સુવિધા
કુલ 10 કોચની આ ટ્રેનમાં એક એસી ચેર કાર, એક સ્લિપર સાથે 6 જનરલ કોચ હશે જેમાં ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા હશે. આ ટ્રેનનું 20 માર્ચ, 2025 એટલે કે આવતીકાલથી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
