Uttarayan 2025: ઉતરાયણ પર્વે રાજકોટમાં 'બરેલીના દોરા'ની ધૂમ; 37 વર્ષથી આવે છે લખનઉના કારીગરો, મોંઘવારીની દેખાઈ અસર

દર વર્ષે ઉતરાયણના ત્રણ મહિના અગાઉથી અહીં આવીને માંજો તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દે છે. આ કારીગરો 9 તાર અને 12 તારના મજબૂત દોરા તૈયાર કરવામાં નિષ્ણાત માનવામાં આવે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 24 Dec 2025 12:53 PM (IST)Updated: Wed, 24 Dec 2025 12:53 PM (IST)
uttarayan-2025-bareilly-manja-craze-grips-rajkot-lucknow-artisans-arrive-for-37th-year

Rajkot News: મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટના બજારોમાં પતંગ-દોરાની રોનક જોવા મળી રહી છે. ખાસ કરીને પતંગબાજોમાં જેની સૌથી વધુ માંગ હોય છે તેવા ‘બરેલીના માંજા’ તૈયાર કરવા માટે ઉત્તર પ્રદેશથી કારીગરો રાજકોટ આવી પહોંચ્યા છે.

37 વર્ષનો અતૂટ નાતો રાજકોટમાં દોરો સૂતવાનું કામ કરતા કારીગર રાજેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 37 વર્ષથી નિયમિતપણે લખનઉ અને બરેલીથી રાજકોટ આવે છે. માત્ર રાજેશભાઈ જ નહીં, પરંતુ તેમના જેવા અંદાજે 150 જેટલા કારીગરો દર વર્ષે ઉતરાયણના ત્રણ મહિના અગાઉથી અહીં આવીને માંજો તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દે છે. આ કારીગરો 9 તાર અને 12 તારના મજબૂત દોરા તૈયાર કરવામાં નિષ્ણાત માનવામાં આવે છે.

naidunia_image

ભાવમાં વધારો, ઘરાકીમાં નરમાશ આ વર્ષે મોંઘવારીનો માર પતંગ-દોરાના બજાર પર પણ જોવા મળી રહ્યો છે. રાજેશભાઈના જણાવ્યા અનુસાર, "આ વર્ષે દોરા અને મસાલાના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ દોરાના ભાવમાં અંદાજે 10 રૂપિયા જેટલો વધારો થયો છે. દોરા અને પતંગ મોંઘા થવાને કારણે બજારમાં અત્યારે ઘરાકી થોડી ઓછી જોવા મળી રહી છે, પરંતુ જેમ જેમ ઉતરાયણ નજીક આવશે તેમ ગ્રાહકો વધશે તેવી આશા છે."

બરેલીનો ખાસ મસાલો આ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા માંજામાં ખાસ પ્રકારનો મસાલો વાપરવામાં આવે છે, જે તેઓ છેક બરેલીથી સાથે લાવે છે. આ મસાલાને કારણે જ દોરો કાચ જેવો ધારદાર અને મજબૂત બને છે. રાજકોટમાં તેઓ સ્થાનિક વેપારીઓ સાથે જોડાઈને આખી સીઝન દરમિયાન હજારો રીલ (ફિરકી) તૈયાર કરે છે.