ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં કમોસમી કહેરઃ 19 તાલુકામાં દોઢ ઈંચ સુધી માવઠું વરસ્યું, ખાંભામાં વૃક્ષો ધરાશાયી, વાડિયામાં વીજ પૂરવઠો ખોરવાયો

ગુજરાતમાં કમોસમી વરસાદે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 19 તાલુકાઓને ઘેરી લીધા છે, જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આગામી ત્રણ દિવસ વધુ વરસાદ અને તાપમાન ઘટવાની આગાહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 11:41 PM (IST)Updated: Fri, 30 Oct 2026 11:41 PM (IST)
unseasonal-rain-hits-north-gujarat-and-saurashtra-19-talukas-affected-power-outages-reported

Gujarat Unseasonal Rain: 'અલ નીનો'ની અસરના કારણે આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું નબળું રહ્યું હતુ. જો કે ચોમાસાની વિધિવત વિદાય બાદ દક્ષિણ ભારતમાં આવેલા અર્નબ વાવાઝોડાની અસરના કારણે ગઈકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી ચોમાસા જેવો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.

આજે રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદનો કહેર

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસ બાદ આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે બપોરે 2 વાગ્યા પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. આજે બપોર બાદ રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો.

જેમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કુકાવાવ વાડીયા, જૂનાગઢના વિસાવદર તેમજ રાજકોટના જેતપુર તાલુકામાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ ત્રણેય તાલુકામાં અનુક્રમે 38 મી.મી (1.5 ઈંચ), 34 મિ.મી (1.3 ઈંચ) અને 31 મિ.મી (1.2 ઈંચ) વરસાદ તૂટી પડ્યો હતો.

આ સિવાય જૂનાગઢના ભેસાણમાં 25 મિ.મી., રાજકોટના ધોરાજીમાં 18 મિ.મી., ગોંડલમાં 15 મિ.મી., ઉપલેટામાં 14 મિ.મી, ગીર સોમનાથના ગીર ગઢડામાં 14 મિ.મી., મહેસાણાના સતલાસણામાં 12 મિ.મી, વિજાપુરમાં 9 મિ.મી જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો.

આજે માવઠાનું સૌથી વધુ જોર અમરેલી જિલ્લામાં જોવા મળ્યું હતુ. જેમાં ખાંભા-ગીરના ગ્રામ્ય પંથકમાં સુસવાટા મારતા ભારે પવન અને ગાજવીજ સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. જેના પરિણામે ખાંભા-ઉના રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ સિવાય વાડિયા પંથકમાં પણ અડધા કલાક સુધી એકધારા ખાબકેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો.

શિયાળાના આગમન સમયે અચાનક વાતાવરણમાં આવેલા આ પલટાના કારણે ખેડૂતોને મગફળી, કપાસ, ડુંગળી અને બટાકાના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો આવનારા દિવસોમાં પણ આ પ્રમાણે કમોસમી વરસાદ યથાવત રહેશે, તો માંડ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ શકે છે.

ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જમ્મુ અને રાજસ્થાન ઉપર સક્રિય બે સિસ્ટમના કારણે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જેના પરિણામે આગામી દિવસોમાં ઠંડી જોર પકડશે.