Gujarat Unseasonal Rain: મધ્ય ગુજરાતમાં હાલ પડી રહેલ કડકડતી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે અનેક પંથકોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ જામતા ઠંડીમાં એકાએક વધારો થતા વહેલી સવારે કામ-ધંધાર્થે નીકળેલા લોકોને ગરમ વસ્ત્રો સાથે રેઇન કોટ પણ પહેરીને નીકળવાની ફરજ પડી હતી. શિયાળામાં ગરમ વસ્ત્રો અને રેઈનકોટની જુગલબંધી જોવા મળી હતી. ધરતી પુત્રોને પણ શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતી સતાવી રહી છે.
છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ સહીત વડોદરા શહેર અને જિલ્લાના ડભોઇ, કરજણ, સાવલી, શિનોર, વાઘોડિયા સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે અને કપાસ, તુવેર, મગ, મકાઈ જેવા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે
ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી હોઇ અનેક સ્થળોએ વેપારીઓ દ્વારા પંડાલો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે કમોસમી વરસાદના પગલે વેપારીઓએ પતંગો બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. જો કે, અનેક વેપારીઓની પતંગો કમોસમી વરસાદમાં પલળી જતાં વેપારીઓને મોટું નુકસાન થયું હોવાનો જાણવા મળ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
