Rajkot Accident News: રાજકોટ નજીક આટકોટના જંગવડ ગામ પાસે ઇનોવા કાર પલટી જતાં રાજકોટની આર. કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં કરુણ મોત થયાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓ રાજકોટથી કાર ભાડે કરી દીવ ફરવા જઈ રહ્યા હતા ત્યારે આટકોટના જંગવડ ગામ પાસે તેમનો કાળમુખો અકસ્માત થયો હતો, જેમાં કાર ભુક્કો થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ જેમાં આંધ્ર પ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદના (ઉંમર આશરે 19 વર્ષ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય મિત્રો ઇનોવા કાર ભાડે કરીને રાજકોટથી દીવ ફરવા નીકળ્યા હતા.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમની કાર આટકોટ નજીક જંગવડ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. અચાનક ડ્રાઈવરે કોઈ કારણસર કાબૂ ગુમાવતા કાર રોડ પર પલટી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી યુનિવર્સિટી અને વિદ્યાર્થી જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.