Rajkot: 13 લોકોની હત્યા કરનાર તાંત્રિકના મોત બાદ પોલીસને મોટી સફળતા, નગમાના મૃતદેહના અવશેષ વાંકાનેર નજીકથી મળ્યા

અમદાવાદ અને પડધરી પોલીસે ચાર કલાક ખોદકામ બાદ નગમાના શરીરના અવશેષો કબજે કરી એફ.એસ.એલ.માં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 12 Dec 2024 12:04 PM (IST)Updated: Thu, 12 Dec 2024 12:04 PM (IST)
tantrik-who-killed-13-people-nagmas-remains-found-near-wankaner-near-wankaner-by-rajkot-police

Rajkot Crime News: તાંત્રિક નવલસિંહના મોત બાદ તેણે કરેલી હત્યાના એક પછી એક રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. પરિવારના સભ્યો સહિત 13 લોકોની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પિવડાવીને હત્યાના મૃતક આરોપી અને તાંત્રિક નવલસિંહે રાજકોટની નગમા નામની યુવતીની હત્યા કરી ટૂકડા કરી નાંખ્યા હતા. માર્ચ - 2024માં વઢવાણના ઘરમાં જ નગમાની હત્યા કર્યા પછી તેના દેહાવશેષ વાંકાનેરના ધમલપર નજીક તાંત્રિક નવલસિંહે દાટી દીધા હતા. અમદાવાદ અને પડધરી પોલીસે ચાર કલાક ખોદકામ બાદ નગમાના શરીરના અવશેષો કબજે કરી એફ.એસ.એલ.માં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.

નગમા ઉપરાંત તેના માતા, પિતા અને ભાઈના શંકાસ્પદ મૃત્યુના રહસ્યો પણ પોલીસ તપાસ બાદ ખુલવાની સંભાવના વધી છે. અમદાવાદ પોલીસ હવે રાજકોટ પોલીસને તમામ તથ્યો સાથે વિગતો મોકલશે. મહત્ત્વનું છે કે, ધમલપર ગામ પાસે ચાર કલાક ખોદકામ બાદ મળેલાં માથું, પેટ, પગ, હાથ સહિતના ભાગો FSLમાં મોકલાશે. વાંકાનેર પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ માનવ લાશના અવશેષો મળ્યા છે. જેમાં માથા, પગ, હાથ, પેટ સહિતના ભાગોનો સમાવેશ થાય છે.

પ્લાસ્ટીકની દોરી અને ગુટકાના થેલામાંથી આ તમામ અવશેષ મળી આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી વખતે વાંકાનેરના એસડીએમ, ડીવાયએસપી, વાંકાનેરના પીઆઈ અને સરખેજ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે માનવ લાશના અવશેષો કબજે કરાયા છે તે ખરેખર નગમાના છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બીજા વૈજ્ઞાનિક પૃથ્થકરણો પછી જ સ્પષ્ટ કરવામાં આવશે.

તાંત્રિક નવલસિંહને ભાંડો ફોડનાર અમદાવાદના નિકોલ રોડ ઉપર રહેતા જીગર ગોહિલનું આજે કલમ 164 હેઠળ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાયું છે. જીગરના ભાઈ વિવેકની વર્ષ 2021માં તાંત્રિકે સોડીયમ ક્લોરાઈડ પીવડાવી હત્યા કરી હતી. વિશ્વાસ અને સંબંધ હોવાથી ભાઈનું મૃતદેહ મળતાં જીગરે તે અંગે તાંત્રિક નવલસિંહને પણ જાણ કરી હતી. આ પછી જીગર પણ નવલસિંહની સાથે તેની જ ટેક્સી ચલાવવા લાગ્યો હતો. પણ, બે વર્ષ સાથે રહેતાં જીગરને નવલસિંહના કારનામા ખબર પડતાં ભાઈનો હત્યારો તે જ હોવાનું સ્પષ્ટ થતાં જીગરે ફોનમાં વાતચિતના રેકોર્ડિંગ કર્યા હતા અને નવલસિંહનો ભાંડો ફોડ્યો હતો. સરખેજ પોલીસે જીગરનું ગઈકાલે મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન લેવડાવ્યું છે.

તાંત્રિક નવલસિંહે સમસ્યા ઉકેલી ન શકતાં અંજારમાં રાજ બાવાજીની હત્યા કરી હતી. લેવમેરેજ કર્યા પછી રાજ બાવાજી પારિવારીક ઝઘડા અટકે તે માટે ત્રણ-ચાર વખત વઢવાણમાં નવલસિંહ પાસે આવ્યો હતો. પણ, સમસ્યા ન ઉકેલાતાં તાંત્રિક નવલસિંહ સાથે રાજ બાવાજીને ઝઘડો પણ થયો હતો. આ પછી નવલસિંહ અંજારમાં રાજ બાવાજીના ઘરે ગયો હતો અને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી ચ્હા પીધી તેમાં ઝેરી પાઉડર પીવડાવતાં હાર્ટએટેકથી રાજનું મૃત્યુ થયું હતું.