Rajkot Crime News: રાજકોટ જિલ્લાના વિંછીયાના થોરીયાળી ગામના યુવાન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે સાત જેટલા શખ્સો દ્વારા તેના પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. બનાવને પગલે વિંછીયા ગામમાં કોળી સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને ધરણા કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડીને રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પરંતુ એ સમયે એકઠા થયેલા ટોળાએ સરઘસની માગ કરી હતી અને માગ નહીં સ્વીકારાતા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસે 60 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ
હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
વિંછીયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગે થોરીયાળી ગામના ઘનશ્યામ રાજપરા નામના યુવક દ્વારા અરજી કરવામાં આવી હતી. યુવક બોટાદ રોડ પર આઇશર રિપેર કરાવવા માટે આવ્યો હતો. જે સમયે શેખા સાંબડ સહિત સાત લોકો ધસી આવ્યા હતા. લેન્ડ ગ્રેબિંગની અરજી કર્યાનો ખાર રાખીને ઘનશ્યામ રાજપરા પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા ઘનશ્યામ રાજપરાને વિંછીયા અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાના ગામમાં ઘેરા પડઘા પડ્યા, સજ્જડ બંધ રહ્યું
ઘનશ્યામ રાજપરા નામના યુવકની હત્યાના ઘેરા પડઘા વિંછીયામાં પડ્યા હતા. તટસ્થ તપાસ અને તમામ આરોપીઓની ધરપકડ કરવાની ગામ સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા વિંછીયા બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. કોળી સમાજના આગેવાનો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કલેક્ટરની ખાતરી બાદ ધરણા સમેટાયા
વિંછીયાના થોરીયાળી ગામમાં કોળી યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવ્યા બાદ મૃતકનો પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી હતી અને ધરણા કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી આરોપીઓ ઝડપાશે નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. જે અંગેની જાણ થતાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી ત્યાં પહોંચ્યા હતા અને પરિવારજનોને મળ્યા હતા અને માગણી પૂરી થશે તેવી ખાતરી આપતા ધરણા સમેટાયા હતા. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અગ્નિદાહ કર્યો હતો.
મુખ્ય આરોપીની ચોટીલા નજીકથી ધરપકડ કરાઈ
ઘનશ્યામ રાજપરાની હત્યાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીની ચોટીલા પંથકમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પકડવા માટે વિંછીયા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે દરમિયાન એવી વિગતો મળી હતી કે આરોપી શેખા સાંબડ ગુનો આચર્યા બાદ ચોટીલા પંથકમાં છે. જેથી પોલીસ દ્વારા ત્યાં તપાસ હાથ ધરાઈ હતી અને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. અગાઉ ચાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓના સરઘસની માગ કરવામાં આવી
ઘનશ્યામ રાજપરાની હત્યા કરનારા આરોપીઓને સાથે રાખીને 6 જાન્યુઆરી 2025ના રોજ સોમવારે પોલીસ દ્વારા ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. એ સમયે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલા ટોળા દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
ટોળાનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો
એકઠા થયેલા ટોળા દ્વારા કરવામાં આવેલા આરોપીઓનું સરઘસ કાઢવાની માગ પોલીસે સ્વીકારી ન હતી. જેથી ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 7 જેટલા પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જેના પગલે થોડે અંશે સ્થિતિ કાબૂમાં આવી હતી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉદ્ભવી હતી.
પોલીસના ધાડેધાડા ગામમાં ઉતારી દેવાયા
ટોળા દ્વારા પથ્થમારો કરવામાં આવ્યા બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસના ધાડેધાડા ગામમાં ઉતારી દેવામાં આવ્યા હતા. 3 ડીવાયએસપી, 5 પીઆઇ, 10 પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ગામમાં તેનાત કરવામાં આવ્યો હતો. એક એસઆરપીની ટૂકડી પણ તેનાત કરાઈ હતી.
84 વિરુદ્ધ ફિરયાદ, 60ની ધરપકડ
પોલીસ સ્ટેશન પર પથ્થમારો કરવાની ઘટનામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 84 લોકો સામે ગુનાહિત કાવતરું રચવાની, રાયોટિંગ અને મારામારી તથા પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા સહિતની કલમો સાથે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાંથી 60 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
