Rajkot News:રાજકોટમાં બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલની સુવિધાઓની સમીક્ષા કરી, દર્દીઓ સાથે વાતચીત કરી અને જન-આરોગ્ય યોજનાઓ પર ચર્ચા કરી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 01 Oct 2026 11:17 PM (IST)Updated: Thu, 01 Oct 2026 11:17 PM (IST)
statelevel-health-minister-praful-pansheriya-visiting-bt-savani-kidney-hospital-in-rajkot

Rajkot News:ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર સ્થિત બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલ દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી.

રાજ્યકક્ષાના મંત્રીએ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગ, રોબોટિક સર્જરી યુનિટ, પુરુષ તથા સ્ત્રીઓ માટેના જનરલ વિભાગ, ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ. કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ તેમજ નિર્માણાધીન મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું નિરીક્ષણ કરીને ઉપલબ્ધ તબીબી સાધનો, દવાઓનો સ્ટોક અને દર્દીઓની સારવાર પદ્ધતિ અંગે સંબંધિત અધિકારીઓ તથા તબીબોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સ્વાસ્થ્ય વિશે ખબરઅંતર પૂછીને સંવેદના દાખવી હતી.

આ પછી હોસ્પિટલના બોર્ડ રૂમ ખાતે મંત્રી હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને તબીબી ટીમ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જન-આરોગ્યના વિવિધ મુદ્દાઓ, સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના દર્દીઓ સુધી પહોંચાડવા અને ગુણવત્તાયુક્ત કીડની સારવાર ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જળવાય રહે, તે માટે આરોગ્ય ખાતા દ્વારા સિવિલ હોસ્પિટલોમાં હાઉસકીપિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે સરકારની આરોગ્ય સેવાઓ બાબતે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને ડાયાલિસિસ સહિતની સારવાર પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિ જન્મે ત્યારથી સંપૂર્ણ જીવન જીવે ત્યાં સુધી જરૂરી તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે, જેના માટે સરકાર બજેટમાં પણ બહોળું ભંડોળ ફાળવે છે.

મંત્રીએ ૧૦૮ સેવા અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવાની શરૂઆત લગભગ માત્ર ૧૪ એમ્બ્યુલન્સથી થઈ હતી, જે આજે વટવૃક્ષ બનીને અંદાજે ૧૫૦૦ જેટલા એમ્બ્યુલન્સ વાહનોના વિશાળ નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. હાલમાં સરેરાશ દર સાડા બાર મિનિટે એક કોલ પ્રાપ્ત કરીને ૧૦૮ સેવાની ટીમ પીડિત સુધી ત્વરિત પહોંચીને તબીબી સહાય પૂરી પાડે છે. વિદેશ સાથે સરખામણી કરતા ગુજરાતની આ ઈમરજન્સી રીસપોન્સ સેવા અત્યંત ઝડપી સાબિત થઈ છે.