Gujarat HPV Vaccination: કોઈપણ રાષ્ટ્રની આશા અને સંસ્કૃતિનો આધાર તેની નારીશક્તિ પર રહેલો છે. જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની આવે, ત્યારે લેવાયેલું એક સચોટ પગલું આવનારી પેઢીઓનું ભવિષ્ય બદલી નાખે છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે આવો જ એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી ઇતિહાસ રચ્યો છે. ગર્ભાશયના મુખના કેન્સર જેવા અતિ ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે માત્ર 3 મહિનામાં સૌ ટકા દીકરીઓનું સફળ રસીકરણ કરીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
દીકરીઓનું સ્વાસ્થ્ય: રાજ્ય સરકાર માટે સૌથી મોટું પુણ્યકાર્ય
આ પણ વાંચો
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગર્ભાશયનું કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સૌથી ચિંતાજનક રોગો પૈકીનો એક છે. પરંતુ યોગ્ય સમયે અપાયેલી રસી આ રોગને થતો સંપૂર્ણપણે અટકાવી શકે છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે આ ઝુંબેશને એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડી હતી. જેના પરિણામ અત્યારસુધીમાં 14 વર્ષની પાત્રતા ધરાવતી અંદાજિત 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV વેક્સિનેશન હેઠળ આવરી લીધી હતી.

'સેવા પર્વ' દરમિયાન રચાયો નવો વિક્રમ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ સફળતાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે રાજ્ય માટે વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતાં. આ અભિયાનને વધુ વેગ આપવા માટે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા પર્વ' તા.17 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન રસીકરણ ઝુંબેશનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ અંતર્ગત તા.17 સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસે જ રાજ્યની 71 હજારથી વધુ દીકરીઓનું રસીકરણ કરીને એક નવો ઐતિહાસિક વિક્રમ સર્જાયો હતો. માત્ર 10 દિવસના આ 'સેવા પર્વ' દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડીને સરકારે નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
વાલીઓની જાગૃતિ અને અભિયાનની લંબાવેલી મુદત
રાજ્ય સરકાર માટે દીકરીના સ્વાસ્થ્ય અને કલ્યાણથી વધીને બીજું કોઈ પુણ્યનું કામ હોઈ ન શકે. સરકાર અને આરોગ્યતંત્ર પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી કાર્યરત છે, પરંતુ આ પવિત્ર મહાયજ્ઞની આખરી સફળતા વાલીઓની જાગૃતિ પર જ નિર્ભર કરે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે 14 વર્ષની દીકરીઓ કોઈ કારણસર રસી લેવાથી વંચિત રહી ગઈ હોય, તેમના વાલીઓએ સહેજ પણ વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. વાલીઓની સુવિધા અને તમામ કિશોરીઓને સુરક્ષાકવચ આપવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની મુદત લંબાવીને 31 ડિસેમ્બર 2026 કરી છે. હવે રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા તથા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, અને તમામ CHC તથા PHC કેન્દ્રો પર 14 વર્ષની દરેક કિશોરી માટે આ જીવનરક્ષક રસી તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
