IMAની મોટી જાહેરાત: ગુજરાતની 25 હજાર યુવતીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા અપાશે ફ્રી HPV વેક્સિન

રાજ્યની 25,000 યુવતીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે એચપીવી (HPV) વેક્સિન આપવામાં આવશે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોથી કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 09:32 AM (IST)Updated: Mon 29 Dec 2025 09:32 AM (IST)
imas-big-announcement-25000-girls-in-gujarat-to-get-free-hpv-vaccine-663891

Free HPV Vaccination for Girls: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ક્લબ O7 ખાતે ત્રણ દિવસીય મેડિકલ કોન્ફરન્સ 'નેટકોન-2025' (NATCON-2025) ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી રેકોર્ડબ્રેક 5,000 થી વધુ ડોક્ટરોએ હાજરી આપી હતી. આ દરમિયાન કુલ 550 રિસર્ચ પેપર અને પોસ્ટર રજૂ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા બે નવા વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થયા છે.

નવા પ્રમુખ અને મહત્વકાંક્ષી લક્ષ્યાંકો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) ના નવા પ્રમુખ તરીકે ડો. અનિલ નાયકે વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે જ ડો. નાયકે આગામી વર્ષ માટેના મુખ્ય લક્ષ્યાંકો જાહેર કર્યા હતા:

  • કેન્સર નિવારણ: રાજ્યની 25,000 યુવતીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે એચપીવી (HPV) વેક્સિન આપવામાં આવશે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોથી કરવામાં આવશે.
  • એન્ટીબાયોટિક નિયમન: એન્ટીબાયોટિક દવાઓના આડેધડ ઉપયોગને રોકવા માટે WHO અને NABH સાથે મળીને કામ કરવામાં આવશે.
  • હેલ્થકેર સિસ્ટમ: જાહેર આરોગ્ય અને વિશ્વાસ આધારિત હેલ્થકેર સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટરોને શીખ

કોન્ફરન્સમાં ઉપસ્થિત ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટરોને હળવી શૈલીમાં શીખ આપતા કહ્યું હતું કે, ડોક્ટરોએ જો પોતાનું આયુષ્ય વધારવું હોય તો તેઓ જે સલાહ દર્દીઓને આપે છે, તેનું પાલન સૌપ્રથમ પોતે કરવું જોઈએ. વધુમાં, ડો. કેતન દેસાઈએ આઈએમએની લોકશાહી પ્રક્રિયાના વખાણ કર્યા હતા.

મેડિકલ સેક્ટરમાં નવી ટેકનોલોજી અને ચર્ચાઓ

કોન્ફરન્સમાં વિવિધ નિષ્ણાતો દ્વારા આધુનિક સારવાર પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:

  • AI અને કેન્સર: ડો. અભિષેક કાકરૂએ જણાવ્યું કે ઇમ્યુનોથેરાપી અને AI જિનોમિક વિશ્લેષણથી કેન્સરની સારવારમાં નવો યુગ શરૂ થયો છે. જ્યારે ડો. કેયૂર પટેલે જીનોમિક્સ દ્વારા ડીએનએ-આરએનએના બદલાવને આધારે સચોટ નિદાન પર ભાર મૂક્યો હતો.
  • રેડિયોલોજીમાં AI: ડો. અવનિશ ખૈરના જણાવ્યા મુજબ, એક્સ-રે અને સીટી સ્કેનમાં સૂક્ષ્મ બદલાવ શોધવા માટે AI ઉપયોગી છે, પરંતુ તે ડોક્ટરની દેખરેખમાં હોવું જરૂરી છે.
  • એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ: ડો. આકાંક્ષા પ્રજાપતિએ ચેતવણી આપી હતી કે તાવના કેસમાં બિનજરૂરી એન્ટિબાયોટિક લેવી જોખમી છે.
  • એવિડન્સ બેઝ્ડ સારવાર: ડો. ભાવિન દલાલે ભારતમાં અનુભવના બદલે પુરાવા આધારિત (Evidence based) સારવાર વધારવાની જરૂરિયાત જણાવી હતી.

આ કોન્ફરન્સમાં અમેરિકામાં રેસિડન્સીની પદ્ધતિ અને ભારતમાં સરકારી સહાયમાં વિલંબથી થતી ગેરરીતિઓ જેવા ગંભીર વિષયો પર પણ ડો. ચિરવાના પટેલ અને ડો. અસીમ શુક્લાએ માર્ગદર્શન આપ્યું હતું.