ગેમ ઝોન અગ્નિકાંડ અંગે શંકરસિંહ વાઘેલાનો રાજ્યપાલને પત્ર, લખ્યું- 'સરકારનો સ્મશાનવૈરાગ આવી બીજી દુર્ઘટનાનું પુનરાવર્તન થવા જવાબદાર'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 May 2024 10:23 PM (IST)Updated: Tue, 28 May 2024 10:24 PM (IST)
shankersinh-vaghela-letter-to-rajyapal-on-rajkot-game-zone-fire-tragedy

Rajkot Fire: ગત શનિવારે શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30 જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા બાદ અત્યારે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે વિપક્ષ સરકારને સતત ઘેરી રહી છે. સરકાર દ્વારા આ સમગ્ર અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવા સાથે કેટલાક અધિકારીઓની બદલી તો કેટલાકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લઈને આ મામલે ન્યાયની માંગ કરવા સાથે સરકારને પણ આડેહાથ લીધી છે.

પોતાના પત્રમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, રાજકોટમાં બનેલી માનવસર્જિત હોનારતમાં 35થી વધુ માનવજિંદગી હોમાઈ ગઈ છે, ત્યારે ક્યાં સુધી લોકો આવી રીતે તંત્રની બેદરકારીનો ભોગ બન્યા કરશે અને આપણે તેમને શ્રદ્ધાંજલિ આપ્યા કરીશું.

દેશની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત આજ રાજકોટની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવા સાથે થઈ હતી. ચૂંટણીમાં મત મેળવવામાં વ્યસ્ત વડાપ્રધાન ભૂલી ગયા છે કે, તેઓ પણ એક ગુજરાતી છે. સત્તા તો આવશે અને જતી રહેશે, લોકોના જીવ કેવી રીતે પાછા લાવશો. આપણે કોઈને જિંદગી આપી નથી શકતા, તો તેને છીનવી લેવાનો પણ હક્ક કેવી રીતે મળે?

naidunia_image
naidunia_image

સુરત, મોરબી, વડોદરા હરણી અને હવે રાજકોટ…દરેક દુર્ઘટના પછી સરકારના સ્ટીરિયો ટાઈપ ઠાલાં વચનો, મગરના આંસુ, મૃતકોને આર્થિક સહાયની જાહેરાત અને અનિર્ણાયક SITની રચનાના નામે તપાસના નાટકો કરી બદલી કરવી, સસ્પેન્ડ કરવા થી સરકાર આત્મસંતોષ મેળવી લેતી હોય છે. ચમરબંધીને નહીં છોડીએ એવો વાણિવિલાસ કરી પ્રજાને ગુમરાહ કરી બીજી કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાં સુધી સરકાર ચાદર તાણી સુઈ જાય છે. સરકારનો સ્મશાનવૈરાગ આવીજ બીજી દુર્ઘટનાનું પુનરાવર્તન થવા જવાબદાર છે.

વધુમાં શંકરસિંહ વાઘેલાએ અરજ કરી છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની રૂએ જ એક અલાયદી વ્યવસ્થા ઉભી થાય. હંગામી રસ્તાઓ અપનાવવાના બદલે ફાયર સેફટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કો-ઓર્ડીનેશન કરી ઉકેલની દિશામાં એક કમિશ્નરેટની રચના કરવામાં આવે. આ ઉપરાંત જુદી-જુદી લોકલ બોડીઓ પાસે મંજૂરી અને લાયસન્સની સત્તાઓ છે, તે હસ્તગત કરી સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ઓનલાઇન પ્રક્રિયા વિજિલન્સ ઓફિસર્સની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે.

સરકારના સીધા નિયંત્રણ હેઠળ રાજ્યથી લઇ તાલુકા અને જિલ્લા કક્ષાસુધી હોસ્પિટલ્સ, શાળા-કોલેજો, થિયેટરર્સ, હોટેલ્સ, ગેમિંગ ઝોન, વોટરપાર્ક, બાંધકામ સાઈટ્સ, જાહેર સ્થળો, કોમર્ષીયલ કોમ્પ્લેક્સ વિગેરે વિગેરે લોકોની વધું અવરજવરવાળી જગ્યાઓ અંગેની SoP સુરક્ષાનીતિ ઘડી અમલીકરણની પ્રામાણિક અને પારદર્શી વ્યવસ્થા કરવામાં આવે. સરકારી અધિકારીઓની બેજવાબદારી કે ભ્રષ્ટાચાર માટે જવાબદારી નક્કી કરી માત્ર ખાતાકીય જ નહીં ફોજદારી રાહે ગુન્હો નોંધવાની કડક જોગવાઈ થાય.

આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મુકનારા તથા એમને છાવરનારા સ્થાનિક સરકારી તંત્ર, સંલગ્ન અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટરો બન્નેને એકસરખી અને દાખલારૂપ સજાની જોગવાઈ કરવામાં આવે જેથી આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન ના થાય.કોઈપણ જાહેર જગ્યા પર સરકારી નિયમોનું પાલન થયેલ છે કે તેની લોકોને માહીતી મળે તે માટે એક પોર્ટલની રચના કરવાં તેમજ સંબધિત સ્થળોએ જરૂરી પરવાનગીઓની નકલ લોકો જોઈ શકે તેમ મૂકવામાં આવે.