ajkot TRP Game Zone Fire: ગત 25 મે, 2024ના રોજ રાજકોટમાં સર્જાયેલ 27 લોકોનો ભોગ લેનારી TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં જવાબદાર મહાનગરપાલિકાના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે તમામને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે.
ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી 'ડિસ્મિસલ ફોર સર્વિસ' નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ચકચારી કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે સોગંદનામું રજૂ કર્યુ હતું. જેમાં જવાબદાર પાંચ અધિકારીઓને ડિસમિસ કરાયા હોવાનું જણાવ્યું છે. આ અધિકારીઓ ભવિષ્યમાં પણ કોઈ સરકારી નોકરી કરી શકે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આ ઘટનામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાતાકીય તપાસના અહેવાલના આધારે ગંભીર બેદરકારી સાબિત થતા આ અધિકારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે.
ક્યા-ક્યા અધિકારી પર કાર્યવાહી કરાઈ
ગૌતમ દેવશંકરભાઈ જોશી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર)
મુકેશ રામજીભાઈ મકવાણા (આસિસ્ટન્ટ એન્જિનિયર)
જયદીપ બાબુલાલ ચૌધરી
રાજેશ નરસિંહભાઈ મકવાણા
રોહિત અસલમભાઈ વિગોરા (ફાયર સ્ટેશન ઓફિસર)
જો કે તત્કાલિક ટાઉન પ્લાનિંગ ઑફિસર (TPO) મનસુખ સાગઠિયા અને ચીફ ફાયર ઑફિસર (CFO) ઈલેશ ખેર સામે તપાસ ચાલુ હોવાથી હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર ભીખાભાઈ ઠેબાને સુનાવણી માટે તક આપવામાં આવી છે.
આ અંગેની વિગતવાર માહિતી આપતા એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ ઘટનામાં ખાતાકીય તપાસ દરમિયાન અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ બેદરકારીના કારણે જ 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું તારણ મ્યુનિસિપલ કમિશનરની તપાસમાં સામે આવ્યું છે.
ભારતમાં પ્રથમ કિસ્સો?
એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કાયદાકીય દૃષ્ટિએ આ કેસને અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતમાં આ કદાચ પ્રથમ એવો કિસ્સો છે જેમાં ખાતાકીય તપાસ હેઠળ અધિકારીઓને જવાબદાર ઠેરવી તેમને 'ડિસ્મિસલ ફોર સર્વિસ' કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવતી હતી તેમાં મોટાભાગે નાની માછલીઓ જ ભોગ બનતી હતી, પરંતુ આ કેસમાં જવાબદાર અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવી છે.
