વીરપુરમાં 'જય જલારામ'નો નાદ ગુંજ્યો: સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

બાપાની પાવન જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જન્મજયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુર ઉમટી પડ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 08:48 AM (IST)Updated: Mon, 16 Nov 2026 08:48 AM (IST)
sant-jalaram-bapa-227th-birth-anniversary-celebration-in-virpur-gujarat
જલારામ બાપાની 227મી જન્મજયંતિ

Jalaram Jayanti 2026: "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો" ના જીવનમંત્રને સાર્થક કરનાર અને અન્નદાનનો મહિમા સમગ્ર વિશ્વમાં પ્રસરાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 227મી જન્મજયંતિ છે. બાપાની પાવન જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જન્મજયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુર ઉમટી પડ્યા છે. પ્રથમ આરતીનો લાભ લેવા અને બાપાના દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

સમાધિ પૂજન બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા

જલારામ જયંતિના મંગલ પ્રભાતે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિ પર શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારીને ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. જન્મજયંતિની ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ પૂરવામાં આવી છે, દરવાજે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે અને ઘરો તેમજ ગેસ્ટ હાઉસ પર ઝળહળતી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, જેના કારણે વીરપુરમાં જાણે બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવા અદભૂત દૃશ્યો જોવા મળી રહ્યા છે.

227 કિલો બુંદીનો પ્રસાદ, ભવ્ય શોભાયાત્રા અને કેક કટિંગનું આયોજન

શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં છે. જન્મજયંતિ નિમિત્તે બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાપાની 227મી જન્મજયંતિની ખુશીમાં ભક્તોને 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે. વીરપુર તરફ આવતા તમામ માર્ગો પર પદયાત્રીઓ અને ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે.

26 વર્ષથી દાન સ્વીકારાતું નથી, 200 વર્ષથી અવિરત અન્નક્ષેત્ર

વીરપુર જલારામ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા 26 વર્ષથી અહીં એક પણ રૂપિયાનું દાન કે ભેટ-સોગાત સ્વીકારવામાં આવતી નથી. આમ છતાં, છેલ્લા 200 વર્ષ કરતાં વધુ સમયથી અહીં અવિરતપણે અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે, જ્યાં લાખો ભક્તો પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કરે છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના ત્રિવેણી સંગમ સાથે સમગ્ર વીરપુર નગરી આજે જલારામમય બની છે અને વાતાવરણમાં 'જય જલારામ'નો નાદ ગુંજી રહ્યો છે.