Rajkot: શહેરના કુવાડવા નજીક વાકાનેર રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતો અને કંપનીની ઓરડીમા રહેતા યુવકે ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારમાં શોક છવાયો છે. તેને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા યુવતીના પરિવારે લગ્નની ના પાડતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાકાનેર રોડ પર મેરી ગોલ્ડ કંપનીમાં કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા રામજી અશ્વીનભાઈ વનાણી (ઉ.19) એ ઓરડીમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના જમાદાર મયુરભાઈ સહિતની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈમાં મોટો હોવાનુ અને તેને યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતુ.
મૃતક યુવકના પરિવારજનો જ્યારે યુવતીના ઘરે લગ્ન માટેની વાત કરવા ગયા હતા. આ દરમ્યાન યુવતીના પરિવારજનોએ રામજી સાથે લગ્ન માટે ઇન્કાર કરી દેતા તેને લાગી આવ્યું હતું.પ્રેમમાં મળેલા આ આઘાતને યુવક પચાવી શક્યો ન હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
