Rajkot: કાંગશીયાળીમાં તસ્કરોનો તરખાટ, દિવાળીની રજાઓમાં બંધ કારખાનામાંથી રૂ. 15 લાખની ચોરી

રાજકોટના કાંગશીયાળી ગામમાં દિવાળીની રજાઓ દરમિયાન એક કારખાનામાંથી રૂ. 15 લાખની કિંમતના કાર્બાઇડ રોડ અને મોબાઇલ ફોનની ચોરી થઈ છે. બે અજાણ્યા ચોરોએ બંધ કારખાનામાં પ્રવેશી આ ઘટનાને અંજામ આપ્યો હતો, જે અંગે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Nov 2026 06:37 PM (IST)Updated: Fri, 13 Nov 2026 06:37 PM (IST)
rajkot-theft-thieves-loot-rs-15-lakh-from-locked-factory-in-kangshiyali-during-diwali

Rajkot: લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામની સીમમાં રાજકોટના કારખાનેદારના કારખાનામાં દિવાળીના તહેવારોની રજા દરમિયાન તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. જેમાં બે અજાણ્યા ઈસમોએ બંધ કારખાનામાં પ્રવેશી રૂ.15 લાખની કિંમતના કાર્બાઇડ રોડ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.15,05,000ના મુદ્દામાલની ચોરી કરી છે. આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી રેસીડન્સીમાં રહેતા અને મૂળ અમરેલીના વતની મિતાંશુ અશોકભાઈ નાકરાણી (24) કાંગશીયાળી ખાતે ’મેકલેન પ્રીસીજન પ્રા.લિ.’ નામની કંપની ધરાવે છે. દિવાળીના તહેવાર નિમિત્તે 6 થી 14 નવેમ્બર સુધી કંપનીના કર્મચારીઓને રજા આપવામાં આવી હતી. કંપનીના મુખ્ય દરવાજાને તાળું મારી વેપારી મિતાંશુ સહપરિવાર પોતાના વતન અમરેલી ગયા હતા.

મોબાઈલમાં CCTV ચેક કરતાં શટર ખુલ્લુ જણાતા ચોંકી ઉઠ્યા

બે દિવસ પહેલા વેપારીના નાના ભાઈએ પોતાના મોબાઈલમાં કંપનીના CCTV ફૂટેજ ચેક કરતાં પાછળનું શટર ખુલ્લુ જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે ફૂટેજ રિવાઈન્ડ કરીને તપાસ કરતાં 10 નવેમ્બરે વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ બે ઈસમો કંપનીના શટર પાસે રહેલી સીડીથી ઉપર ચડ્યા હતા. જે પૈકી એક શખ્સે તાળું માર્યા વિનાનું પાછળનું શટર ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો.

જે બાદ તસ્કરોએ કંપનીની ઑફિસ અને મશીન રૂમમાં રાખેલા VMC મશીનના ટુલ્સ બનાવવા માટેના 157 કાર્બાઈડ રોડ તેમજ 15 કિગ્રા કટિંગ રોડના ટૂકડા તેમજ ઑફિસના ડ્રોવરમાં રાખેલ મોબાઈલ મળીને કુલ 15.05 લાખની મત્તા ચોરી કરી હતી. આ મામલે વેપારી મિતાંશુ નાકરાણીએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.