World Students Day 2026: વિશ્વ વિદ્યાર્થી દિવસ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ યુવા શક્તિ અને રાષ્ટ્ર નિર્માણનો પાવન દિવસ છે. આ દિવસે રાજકોટના બે યુવા વૈજ્ઞાનિકોએ પોતાની શોધથી સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
15 ઓક્ટોબર એ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મદિવસ છે. તેમના સન્માનમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 2010 થી આ દિવસને ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2026 ની થીમ “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિદ્યાર્થી નેતૃત્વ” છે, જેને રાજકોટના વિદ્યાર્થીઓએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે.
રાજકોટના બે યુવા વૈજ્ઞાનિકોનો કમાલ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, રાજકોટના વિદ્યાર્થીઓ પરમાર હર્ષિવ અને સાંકરેચા આર્યન એ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિજ્ઞાન શિક્ષક હિતેશકુમાર પ્રવિણચંદ્ર ભૂંડિયા ના માર્ગદર્શન હેઠળ 'સ્માર્ટ બ્રિજ ઓવરલોડ મોનિટરિંગ એન્ડ ઓટોમેટિક ટ્રાફિક ડાયવર્ઝન સિસ્ટમ' નામનો અત્યાધુનિક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
આ ટીમે WSRO Rajkot Regional Championship (જુલાઈ 2026) બાદ WSRO National Championship (સપ્ટેમ્બર 2026) માં યંગ સાયન્ટિસ્ટ વિભાગમાં સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ ભવ્ય સફળતાના આધારે હવે આ બંને વિદ્યાર્થીઓ 30 નવેમ્બરથી 06 ડિસેમ્બર 2026 દરમિયાન રોમ (ઇટાલી) ખાતે યોજાનાર WSRO International Championship 2026 માં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
શું છે આ સ્માર્ટ બ્રિજ પ્રોજેક્ટ? કેવી રીતે બચશે જાનમાલ?
વિદ્યાર્થીઓએ અખબારોમાં બ્રિજ તૂટવાના સમાચારોનું સર્વેક્ષણ કર્યું અને તારણ મેળવ્યું કે જો બ્રિજના પ્રવેશદ્વારે જ વજન માપીને ઓવરલોડ વાહનને રોકી લેવામાં આવે, તો મોટી દુર્ઘટના ટાળી શકાય.
- ટેકનોલોજી: આ સિસ્ટમનું મગજ Arduino Uno છે, જે માત્ર 250 મિલિસેકન્ડમાં નક્કી કરે છે કે વજન નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ છે કે નહીં.
- ઓટોમેટિક સિસ્ટમ: વાહન ઓવરલોડ થતાં જ બ્રિજનો પ્રવેશદ્વાર આપોઆપ બંધ થઈ જાય છે અને વાહનને વૈકલ્પિક રૂટ પર વાળી દેવાય છે.
- સુરક્ષા ફીચર્સ: વજન મર્યાદા વટાવતાં જ સાયરન ચેતવણી આપે છે અને સ્ક્રીન પર લાઈવ વજન અને SAFE PASS જેવું સ્ટેટસ દર્શાવાય છે.
હાલ આ પ્રોજેક્ટ 5 કિલોના મોડેલ પર સફળ થયો છે, જેને 50 થી લઈને 1000 ટનના ઔદ્યોગિક સેન્સર્સ સાથે સાચા હાઈવે બ્રિજ પર સ્થાપિત કરી શકાય છે. ભવિષ્યમાં તેમાં ANPR કેમેરા અને ડ્રાઈવરના ફોનમાં ઓટોમેટિક SMS ચેતવણી જેવી સુવિધા ઉમેરવામાં આવશે.
માર્ગદર્શક શિક્ષકે શું કહ્યું?
વર્ષ 2002 થી વિજ્ઞાન શિક્ષણ સાથે સંકળાયેલા એચ. પી. ભૂંડિયા જણાવે છે કે,
“અમારો હેતુ માત્ર એક મોડેલ તૈયાર કરવાનો નથી, પરંતુ બાળકના મનમાં જન્મતા ઇનોવેટિવ આઇડિયાને સમાજ અને દેશની સમસ્યાઓના ઉકેલમાં પરિવર્તિત કરવાનો છે. આજનો નાનકડો પ્રયોગ આવતીકાલે દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે.”
