રાજકોટ: અંધારામાં ગટરની કુંડી સાથે અથડાયું બાઈક, ઈજાગ્રસ્ત મહિલાએ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાત્રીના અંધારામાં સ્ટ્રીટલાઈટના અભાવ અને કુંડી પાસે કોઈ બેરીકેડ કે આડશ ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 05:12 PM (IST)Updated: Mon, 23 Nov 2026 05:12 PM (IST)
rajkot-srp-camp-road-sewer-chamber-bike-accident-mitaliben-kesariya-dies

Rajkot Accident News: રાજકોટના જામનગર રોડ નજીક SRP કેમ્પ પાસે રસ્તા પર આવેલ ભૂગર્ભ ગટરની આશરે 4 ફૂટ ઊંચી કુંડી સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ 29 વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું છે. રાત્રીના અંધારામાં સ્ટ્રીટલાઈટના અભાવ અને કુંડી પાસે કોઈ બેરીકેડ કે આડશ ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ છે. બાઈક પર સવાર મહિલાના પતિનો બનાવમાં આબાદ બચાવ થયો હતો.

SRP કેમ્પ પાસે સર્જાયો હતો અકસ્માત

મળતી માહિતી મુજબ, રાજકોટના AG ચોક પાસે આવેલી સરિતા વિહાર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય મિતાલીબેન કિરણભાઈ કેસરીયા ગૃહઉદ્યોગ ચલાવતા હતા. ગત 6 નવેમ્બરના રોજ તેઓ પોતાના પતિ સાથે બાઈક પર હોટલમાં જમવા ગયાહતા. જમ્યા બાદ પતિ સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જામનગર રોડ નજીક SRP કેમ્પ પાસે રાત્રે આશરે 11:30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો.

બનાવની મળતી વિગતો અનુસાર, SRP કેમ્પ પાસે રસ્તા પર આવેલ ભૂગર્ભ ગટરની આશરે 4 ફૂટ ઊંચી કુંડી સાથે તેમનું બાઈક અથડાયું હતું. આ કુંડીની આસપાસ કોઈ બેરીકેડ કે આડશ મૂકવામાં આવી ન હોવાનું જણાવાયું છે. વધુમાં, રાત્રિના અંધકાર વચ્ચે કોઈ સ્ટ્રીટલાઈટ પણ નહોતી. અકસ્માતને પગલે બાઇક ચકરડી ફરી કુંડી પરથી ઉછળીને પલટી મારી ગયું હતું.

16 દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત

આ ગંભીર અકસ્માતમાં મિતાલીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, 16 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. મિતાલીબેનના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ખાસ કરીને તેમના માસૂમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

RMC તંત્ર સામે સવાલો, જવાબદારી કોની?

આ અકસ્માત બાદ રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શહેરમાં વિવિધ સ્થળોએ રસ્તા પર ખાડા, ઊંચા-નીચા રસ્તા અને ખુલ્લા કે અડચણરૂપ બાંધકામને કારણે વાહનચાલકોની સુરક્ષા જોખમમાં મુકાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિક સ્તરે સવાલ ઉઠી રહ્યો છે કે રાત્રિના અંધારામાં રસ્તા પર આટલી મોટી કુંડી કોઈપણ પ્રકારની આડશ કે ચેતવણી વિના રાખવાની જવાબદારી કોની હતી? સ્ટ્રીટલાઈટના અભાવે વાહનચાલકોને કુંડી દેખાઈ ન હોય તો તેના માટે જવાબદાર તંત્ર સામે શું કાર્યવાહી થશે?

ડેપ્યુટી કમિશનરના નિવેદન બાદ પણ સવાલ

ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નંદાણીએ તંત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરની કુંડી રસ્તાની વચ્ચે નહીં, પરંતુ રોડની સાઈડમાં આવેલા છે. જોકે, આ નિવેદન બાદ પણ સવાલો યથાવત્ છે કે રોડની સાઇડમાં આવેલ હોવા છતાં આશરે 4 ફૂટ ઊંચી કુંડી રાત્રીના અંધારામાં કોઈ બેરીકેડ કે આડશ વિના કેમ રાખવામાં આવી હતી?