Rajkot Shikshan Samiti Election: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જેવો જ ગરમાવો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ચૂંટણીને લઇને જામ્યો છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં છેલ્લી ઘડી સુધી લોબીંગ ચાલ્યુ હતુ. 15 સભ્યોની આ સમિતિમાં 11 ભાજપના, વિપક્ષને તક અપાય તો એક સીટ કોંગ્રેસની અને બાકીના ત્રણ સભ્યો રાજ્ય સરકાર નિયુક્ત હોય છે.
આજે ઉઘડતી બજારે જ ભાજપે તો તેના તમામ 11 મુરતિયાના નામ જાહેર કરી દીધા હતા. બીજીબાજુ કોંગ્રેસમાં ઉમેદવારની પસંદગીને લઇને છેલ્લે સુધી આંતરિક ઘમાસાણ ચાલ્યુ અને છેક 1 વાગ્યા આસપાસ કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત થઇ હતી. સરકાર નિયુક્ત ત્રણ પૈકી બે સભ્યના નામ પણ જાહેર થઇ ચૂક્યા છે. 20 દિવસ પછી એટલે કે તા.21મી ઓક્ટોબરે ચૂંટણી થવાની છે.
મુંબઈ રાજ્યના પ્રાથમિક કેળવણીના કાયદાની કલમ-3(2) મુજબ તથા પ્રાથમિક કેળવણીના કાયદા અન્વયે ઘડાયેલા નિયમો પૈકી શેડયુલ મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આ બેઠકો માટે મુંબઈ રાજ્ય પ્રાથમિક કેળવણી અધિનિયમની કલમ-4 (7)માં જે લાયકાત નક્કી કરવામાં આવી છે, તે મુજબ ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસે કરી છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની (શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડયુલ્ડ ટ્રાઈબ્સ) એક બેઠક માટે ઉમેદવારી કરનાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓમાંના (શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડયુલ્ડ ટ્રાઈબ્સ) હોવા જોઈએ. કઈ કઈ કોમની ગણતરી અનુસૂચિત જાતિ એટલે કે અનુસૂચિત જનજાતિઓ (શેડયુલ્ડ કાસ્ટ અને શેડયુલ્ડ ટ્રાઈબ્સ)માં કરવામાં આવે છે.
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. 2 વાગ્યા સુધીની અંતિમ મુદત હતી. એ પહેલા ભાજપે તો સવારે 10 વાગ્યે તેમના તમામ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિપક્ષ કોંગ્રેસ તરફથી અંતિમ એક કલાક પુર્વે નામ જાહેર કરાયુ હતુ. તમામ નિયુક્તિ પત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી નિર્વાચન અધિકારી અને મેયર જાતે આવતીકાલે તા.1 ઓક્ટોબરના રોજ ચકાસણી કરશે.
12 બેઠકો માટેની ચૂંટણી અને મતદાન તા.21/10ના રોજ 11 થી 2 વાગ્યા સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાગૃહમાં કરવામાં આવશે. ચૂંટણીના મતોની ગણતરી તે જ દિવસે તે જ સ્થળે કરવામા આવશે.
રાજકોટ કોંગ્રેસમાં બળવો કરનાર બે નેતા સસ્પેન્ડ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પક્ષના નિર્ણયથી અલગ જઈ બળવો કરનાર કોંગ્રેસના નેતા વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર સામે પક્ષ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા દ્વારા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ સંગઠન દ્વારા પક્ષની શિસ્ત અને નિર્ણયને મહત્વ આપતા બળવાખોર વલણ સામે કાર્યવાહી કરવામાં આવી છે.આ સમગ્ર ઘટનામાં વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર સામે પક્ષવિરોધી પ્રવૃત્તિ અને શિસ્તભંગના આક્ષેપોને પગલે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
