Rajkot News: દિવાળી વેકેશન પૂર્ણ થતા આવતીકાલ 26 નવેમ્બર, ગુરુવારથી રાજ્યભરમાં શાળા-કોલેજો ધમધમતી થશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જ્યાં સુધી ફાયર સેફ્ટીના જરૂરી સાધનો ફિટ કરીને ફાયર વિભાગની NOC મેળવવામાં નહીં આવે ત્યાં સુધી ફાયર સેફ્ટી વિહોણી શાળાઓ અને કોલેજો ચાલુ કરવા દેવામાં આવશે નહીં.
રાજકોટની 399 શૈક્ષણિક સંસ્થામાં ફાયર સેફ્ટીનો અભાવ
સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતા કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં માસુમવિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હોવાની કરુણ ઘટનાની કંપારી આજે પણ ગુજરાતના નાગરિકોના માનસપટ પર અકબંધ છે. આ દુર્ઘટના બાદ પણ રાજ્યની કેટલીક શાળાઓ, ટ્યુશન ક્લાસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં થતું હોવાનું ધ્યાને આવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, રાજકોટ શહેરની કુલ 399 શાળાઓ અને કોલેજો આગની સંભવિત દુર્ઘટનાના ઢગલા ઉપર ઊભી છે. રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ આજે સત્તાવાર જાહેરાત કરતા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સુરક્ષાના માપદંડો સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
ચાલુ વર્ષે 2,374 બિલ્ડિંગોને ફાયર વિભાગે નોટિસ ફટકારી
રાજકોટ શહેરમાં હજુ પણ અનેક ઈમારતોમાં પૂરતી ફાયર સેફ્ટી સુવિધાના અભાવે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી વકી છે. રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તંત્ર સમયાંતરે તપાસ અને ચેકિંગની કામગીરી હાથ ધરે છે, પરંતુ પૂરતા સ્ટાફના અભાવે ફાયર બ્રિગેડ શાખા માટે શહેરની દરેક ઈમારત સુધી સમયસર પહોંચવું અને સતત દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ મહિનાથી નવેમ્બર મહિના સુધીમાં ફાયર સેફ્ટીને લગતી વિવિધ ક્ષતિ ધરાવતી કુલ 2,374 બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ઈમારતોમાં સુરક્ષા સાધનોનો અભાવ કે ખામી હોવાનું સામે આવતા સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. તપાસ દરમિયાન સામે આવેલી હકીકત મુજબ 399 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાનો ગંભીર અભાવ જોવા મળ્યો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કડક કાર્યવાહી થશે
રાજકોટ શહેરની કેટલીક શાળાઓ અને કોલેજોમાં આગ બુઝાવવાના સાધનો જ લગાવવામાં આવ્યા નથી. તો કેટલાક સ્થળોએ સાધનો મૂકવામાં આવ્યા હોવા છતાં તે કાર્યરત નથી અથવા નિયમ મુજબ અપડેટ કરેલા નથી. ચીફ ફાયર ઓફિસર અમિત દવેની જાહેરાત બાદ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અગાઉ જે 399 શાળાઓ અને કોલેજોને ફાયર સેફ્ટી અંગે નોટિસ પાઠવવામાં આવી હતી, તે તમામ સ્થળોએ સ્થળ તપાસ અને સઘન ચેકિંગ કરવા માટે ફાયર વિભાગની વિશેષ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ટીમો દ્વારા દરેક સંસ્થામાં ફાયર સાધનોની સ્થિતિ ઉપરાંત એક્ઝિટ વ્યવસ્થા અને NOC પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવશે તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
