Rajkot News: શીતલ પાર્ક નજીક કૂતરું આડું ઉતરતા રેપિડો બાઈક સ્લીપ, નીચે પટકાયેલી શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઈ ગઈ

રાજકોટના શીતલ પાર્ક નજીક રેપિડો બાઈક પર જઈ રહેલી શિક્ષિકા પ્રિયંકા દોશીનું કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થતા ટેન્કર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું. ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, મૃતક શિક્ષિકાને બે વર્ષનો પુત્ર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 05:31 PM (IST)Updated: Thu, 13 Aug 2026 05:31 PM (IST)
rajkot-road-accident-news-school-teacher-crushed-under-tanker-after-rapido-bike-slips-avoid-dog

નરેન્દ્ર આહીર, Rajkot News: શહેરના અયોધ્યા ચોક પાસે રહેતી અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી યુવતી બપોરે નોકરી પૂર્ણ કરી રેપીડો બાઈક પર ઘર જતી હતી,ત્યારે શીતલ પાર્ક નજીક કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ સમયે પાછળ બેઠેલી શિક્ષિકા પર ટેન્કર ફરી વળતા તેનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના અયોધ્યા ચોક વિસ્તારમાં આવેલ રવિ ક્રિષ્ના હાઈટ્સમાં રહેતા પ્રિયંકા દોશી (28) નામની શિક્ષિકા ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ નચિકેતા સ્કૂલમાં પોતાની નોકરી પૂર્ણ કરીને રેપિડો બાઈક પર ઘરે જવા નીકળી હતી.

જ્યારે તેમનું બાઈક શીતલ પાર્ક નજીક પહોંચ્યુ, ત્યારે આગળ કૂતરું આડું ઉતરતાં શિક્ષિકા અને રેપિડો ડ્રાઈવર રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળથી પુરપાટ આવતુ ટેન્કર નીચે પટકાયેલા શિક્ષિકાના શરીર પર ફરી વળ્યું હતુ.

આ અકસ્માતમાં શિક્ષિકાને ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતાં અકસ્માત સર્જનાર નાસી છૂટ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવારના અંતે શિક્ષિકાનું મોત નીપજ્યું હતુ.

આ મામલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રિયંકા દોશીને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.