Rajkot: ગાર્ડી કોલેજની 21 વર્ષીય લેબ આસિસ્ટન્ટે કર્યો આપઘાતનો પ્રયાસ, માતા-પિતાને લખેલ સ્યુસાઈડ નોટ મળી

યુવતી મૂળ થાનના આણંદપર ગામની વતની છે અને હાલ રાજકોટની પેરીમાઉન્ટ સોસાયટીમાં રહે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 09 Aug 2026 02:02 PM (IST)Updated: Sun, 09 Aug 2026 02:02 PM (IST)
rajkot-rd-gardi-college-lab-assistant-suicide-attempt-alpa-vaghela
Rajkot woman attempts suicide

Rajkot woman attempts suicide: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી પેરીમાઉન્ટ સોસાયટીમાં રહેતી અને આર.ડી. ગાર્ડી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી 21 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલમાં આ યુવતી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૂળ આણંદપરની 21 વર્ષીય યુવતી

આ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ થાનના આણંદપર ગામની વતની 21 વર્ષીય અલ્પાબેન કરશનભાઈ વાઘેલા હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી પેરીમાઉન્ટ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. તથા તેઓ ઘંટેશ્વર પાસે આવેલી આર.ડી. ગાર્ડી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.

આજે સવારના દસેક વાગ્યાના અરસામાં અલ્પાબેન પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેણે ઝેરી દવા પીધી હોવાની શંકા વ્યક્ત કરી એમએલસી (MLC) નોંધી હતી.

પોલીસ તપાસ અને સ્યુસાઈડ નોટ

આ બનાવની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન યુવતી પાસેથી માતા-પિતાને સંબોધીને લખેલ એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અલ્પાબેન છેલ્લા ત્રણ દિવસથી "મારે મરી જવું છે" તેવું રટણ કરતી હતી.

પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

પોલીસ સ્ટાફે હાલમાં મળી આવેલી સ્યુસાઇડ નોટ કબજે કરી છે અને યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે દિશામાં તપાસ લંબાવી છે. તબીબોના જણાવ્યા અનુસાર યુવતીની સ્થિતિ હાલ નાજુક છે અને ઝેરની અસરને પગલે સારવાર ચાલુ રાખવામાં આવી છે.