રાજકોટમાં કરૂણાંતિકા: બે અલગ-અલગ બનાવોમાં માતા-પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો; ત્રણના મોત, એકની હાલત ગંભીર

રાજકોટ અને પડધરીમાં માતા-પુત્ર દ્વારા આપઘાતના બે અલગ-અલગ બનાવોમાં 3 લોકોના મોત થયા છે અને 1 મહિલાની હાલત ગંભીર છે. ઘરકંકાસ અને આર્થિક ભીંસને કારણે આ કરૂણ ઘટનાઓ ઘટી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 31 Jul 2026 08:08 AM (IST)Updated: Fri, 31 Jul 2026 08:08 AM (IST)
rajkot-2-incidents-mother-son-suicide-attempt-three-dead-one-critical-condition

Rajkot News: રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. એક ઘટનામાં માતા પુત્રે ઝેરી દવા ગટગટાવી લીધી, જ્યારે બીજી ઘટનામાં પણ માતા-પુત્રે જ એસિડ પીને ખાણમાં ઝંપલાવ્યું હતું. રાજકોટ અને પડધરી પંથકની આ બે અલગ અલગ કરુણ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક મહિલાની સ્થિતિ ગંભીર છે.

ઘરકંકાસથી કંટાળીને માતા-પુત્રે ઝેર પીધુ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળ આવતા કોઠારિયા વિસ્તારની રામેશ્વર સોસાયટીમાં રહેતા દમયંતીબેન મનસુખભાઈ રબારા (ઉ.58) અને તેમના પુત્ર બ્રિજેશ મનસુખભાઈ રબારા (ઉ.26)એ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન પુત્રનું મોત થયું છે. જ્યારે માતા દમયંતીબેનની હાલત નાજુક હોવાથી સારવાર હેઠળ છે.

પ્રાથમિક તપાસ પ્રમાણે, બ્રિજશના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને લગ્ન બાદ ઘરમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ ઘરકંકાસથી કંટાળીને માતા-પુત્રે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આર્થિક ભીંસમાં એસિડ પી ખાણમાં ઝંપલાવ્યું

બીજો બનાવ રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારા ગામના પાટિયા પાસે બન્યો હતો. જ્યાં એક મહિલા જયાબેન નકુમ (ઉ.50) અને તેમના પુત્ર નિલેશ મનસુખભાઈ નકુમે પહેલા એસિડ પીધુ હતુ અને ત્યારબાદ ખાણમાં ઝંપલાવ્યુ હતું.

બનાવની જાણ થતાં 108 મારફતે બંનેને સિવિલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયા હતા. ત્યારે પડધરી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, પરિવાર આર્થિક સંકડામણમાં હોવાથી માતા-પુત્રે આ કરુણ પગલું ભર્યુ હતુ. બંને ઘટનાઓમાં આજીડેમ અને પડધરી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.