Rajkot: રાજકોટ શહેરમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા તેમજ તેની પાસેથી લાખોની માલમત્તા પડાવી લેવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મહિલાએ પોતાના રૂ. 4 લાખ રોકડા અને સોનાના દાગીના પરત માંગતાં આરોપીએ ઝઘડો કરી લાફા માર્યા અને ગાળો આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે મનોજ જગદીશભાઈ નિમાવત નામના શખ્સ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પીડિત મહિલા બે વર્ષ અગાઉ જૂનાગઢમાં નોકરી કરતી હતી. આ દરમિયાન મનોજ નિમાવત નામના શખ્સની ટેક્સીમાં અવરજવર કરતી હોવાથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મનોજે લગ્નની લાલચ આપીને પીડિતા સાથે શારીરિક સબધ બાંધ્યા હતા. તેમજ અલગ-અલગ બહાના હેઠળ મહિલાઓ પાસેથી રૂ. 4 લાખ રોકડા અને દાગીના પડાવી લીધા હતા.
ગત રવિવારે મહિલાએ પોતાના નાણાં અને દાગીના પરત માંગતા આરોપી માથાકૂટ કરવા લાગ્યો હતો. જે બાદ રાતે એક વાગ્યાની આસપાસ આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને લાફા મારીને ગાળો ભાંડી હતી. આખરે કંટાળેલી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી મહિલા એક સંતાનની માતા છે અને પોતાના પતિથી અલગ રહે છે. જો કે હજુ સુધી તેના છૂટાછેડા નથી થયા. પતિથી અલગ રહેવા દરમિયાન મહિલાના મનોજ સાથે સબંધો શરૂ થયા હતા. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
