Rajkot: રાજકોટ શહેરમાં વધતા માનસિક તણાવ, નિરાશા અને આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે સિટી પોલીસ દ્વારા એક અત્યંત માનવીય અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે સવારે 11 કલાકે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે જીવન આસ્થા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે.
આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં લોકો નોકરી, ધંધો, અભ્યાસ, પારિવારિક સમસ્યા, આર્થિક ભીંસ, પ્રેમભંગ કે એકલતાને કારણે માનસિક તણાવમાં સરી પડે છે. ઘણી વખત વ્યક્તિ પોતાની વેદના કોઈને કહી શકતો નથી અને ખોટું પગલું ભરી લે છે. આવા સમયે જો કોઈ તેને સાંભળનાર, સમજનાર અને સાચો રસ્તો બતાવનાર મળી જાય, તો એક કિંમતી જીવન બચી જાય છે. એજ હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
જીવન આસ્થા કેન્દ્રમાં અનુભવી કાઉન્સેલરો, મનોચિકિત્સકો અને પોલીસના સંવેદનશીલ અધિકારીઓ દ્વારા મદદ આપવામાં આવશે. અહીં આવનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. કોઈપણ વ્યક્તિ પોતાની સમસ્યા નિ:સંકોચપણે રજૂ કરી શકશે. પરિવારમાં ઝઘડો હોય, બાળક ડિપ્રેશનમાં હોય, વિદ્યાર્થી પરીક્ષાના દબાણમાં હોય કે યુવાન નોકરી ન મળવાથી હતાશ હોય, દરેક માટે આ કેન્દ્ર આશાનું કિરણ બનશે.
તમે અમૂલ્ય છો, હું તો જીવીશ...
આ કેન્દ્રની સૌથી મોટી વિશેષતા તેની 24/7 હેલ્પલાઇન નંબર: 97123 47744 છે. દિવસ હોય કે રાત, ગમે ત્યારે ફોન કરીને કોઈપણ વ્યક્તિ મદદ મેળવી શકશે. ફોન પર જ કાઉન્સેલિંગ આપીને વ્યક્તિને શાંત પાડવામાં આવશે અને જરૂર પડે તો રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે.
રાજકોટ સિટી પોલીસનો આ લોગો પણ ખૂબ જ અર્થસભર છે. તેમાં પોલીસનો હાથ સામાન્ય નાગરિકનો હાથ પકડીને કહે છે- 'તમે અમૂલ્ય છો, હું જીવીશ...' આ સંદેશ જ સૌને જીવન પ્રત્યે આશા, હિંમત અને સકારાત્મક વિચાર આપશે.
