Mohit Ulva Success Story: કહેવાય છે કે સફળતા પાછળ કોઈ ને કોઈનો સંઘર્ષ અને ત્યાગ છુપાયેલો હોય છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની છે, સૌરાષ્ટ્રના 18 વર્ષીય ક્રિકેટર મોહિત ઉલ્વાની. આજે મોહિતે પોતાની પ્રતિભા અને મહેનતના જોરે ભારતીય અંડર-19 ટીમ સુધીની સફર ખેડી છે, પરંતુ તેની આ સફળતા પાછળ એક આખા પરિવારનો વર્ષોનો સંઘર્ષ, માતા-પિતાનો ત્યાગ અને નાની બહેનનું નિઃસ્વાર્થ સમર્પણ છુપાયેલું છે.
એક તરફ પિતાની મર્યાદિત આવક અને બીજી તરફ ક્રિકેટનું મોંઘું કોચિંગ. આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમતા પરિવારે પોતાના ખર્ચમાં કાપ મૂક્યો, છાશ-રોટલો ખાઈને પણ દીકરાની ક્રિકેટ તાલીમ ચાલુ રાખી અને આજે એ જ દીકરાએ પરિવારનું સપનું સાકાર કરી સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.
ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મોહિત ઉલ્વાના એક જ કોચ
મોહિતની ક્રિકેટ સફર કોઈ મોટા શહેરના આધુનિક સ્ટેડિયમથી નહીં, પરંતુ ગામની ગલીઓમાં ટેનિસ બોલ ક્રિકેટથી શરૂ થઈ હતી. મોહિતના પિતા મહેશભાઈ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં ફરજ બજાવે છે અને તેમને પણ ક્રિકેટનો ખૂબ શોખ હતો. બાળપણથી જ તેમણે દીકરામાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અને કંઈક અલગ કરવાની ક્ષમતા જોઈ લીધી હતી.
વર્ષ 2015માં જ્યારે મોહિત માત્ર સાત વર્ષનો હતો, ત્યારે પિતા તેને જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણની ક્રિકેટ એકેડમીમાં લઈ ગયા હતા. શરૂઆતમાં મોહિત માત્ર ભણવાથી બચવા માટે ક્રિકેટ રમવા તૈયાર થયો હતો, પરંતુ ધીમે-ધીમે ક્રિકેટ જ તેનું જીવન બની ગયું.
જામનગરના ક્રિકેટ બંગલા ખાતે મોહિતની સાચી ક્રિકેટ ઘડતર શરૂ થઈ. કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ એ જ વ્યક્તિ છે, જેમણે ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ તાલીમ આપી હતી. મોહિત પોતે પણ જાડેજાનો મોટો પ્રશંસક છે અને તેમની જેમ ભારતીય ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવવા માગે છે.

ઓફ સ્પિનરમાંથી ફાસ્ટ બોલર બનવાની રસપ્રદ સફર
મોહિતે શરૂઆતમાં ઓફ સ્પિન બોલિંગથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જો કે તેની દોડવાની ક્ષમતા અને શરીરની ચપળતા જોઈને કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે તેની અંદર ફાસ્ટ બોલર બનવાની સંભાવના જોઈ હતી. તેમણે મોહિતને ફાસ્ટ બોલિંગ અજમાવવાની સલાહ આપી અને ત્યારથી તેની ક્રિકેટ કારકિર્દીએ નવો વળાંક લીધો. આજે મોહિત જમણા હાથનો મધ્યમ ગતિનો ફાસ્ટ બોલર હોવાની સાથે ઉપયોગી બેટ્સમેન તરીકે પણ પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યો છે.
મોહિતની તાલીમ પણ એટલી જ કઠિન હતી. કોચ દ્વારા તેની ફિટનેસ અને માનસિક મજબૂતી પર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. અઠવાડિયાના છ દિવસ મેદાનના પાંચ ચક્કર લગાવવાના રહેતા, જ્યારે સાતમા દિવસે 25 ચક્કર પૂર્ણ કરવાના રહેતા હતા. કોચ આ તાલીમને 'મિલિટરી ટ્રેનિંગ' કહેતા હતા. વોર્મઅપ, સ્પ્રિન્ટ અને વિવિધ ડ્રિલ્સ દ્વારા મોહિતને શારીરિક રીતે મજબૂત બનાવવામાં આવ્યો હતો. આ તાલીમે તેને શીખવ્યું કે ક્રિકેટમાં માત્ર પ્રતિભા જ નહીં, પરંતુ ફિટનેસ, શિસ્ત અને માનસિક મજબૂતી પણ એટલી જ જરૂરી છે.
જયદેવ ઉનડકટની એક સલાહ બની મોહિતનું હથિયાર
મોહિતના ક્રિકેટ જીવનમાં સૌરાષ્ટ્રના અનુભવી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની સલાહ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મોહિતને જયદેવ ઉનડકટ સાથે એક સીઝન રમવાની તક મળી હતી. આ દરમિયાન નેટ પ્રેક્ટિસમાં તેણે જયદેવ ઉનડકટને સ્લોઅર બાઉન્સર નાખતા જોયા હતા. જે બાદ મોહિતે પણ આ બોલ અજમાવ્યો હતો. તેની આ કોશિશ જોઈને ઉનડકટે તેને ખાસ સલાહ આપી હતી કે, આ બોલ ક્યારેય છોડતો નહીં અને જો સારી રીતે નાખી શકે તો સતત તેનો અભ્યાસ કરજે. મોહિતે આ સલાહને ગંભીરતાથી લીધી અને આજે સ્લોઅર બાઉન્સર તેની બોલિંગનું એક મહત્ત્વપૂર્ણ હથિયાર બની ગયું છે.
પિતાની નવ કલાકની ડ્યુટી બાદ દીકરાની પ્રેક્ટિસ માટે દોડધામ
મોહિતની સફળતાની સૌથી ભાવુક અને પ્રેરણાદાયી બાજુ તેના પરિવારનો સંઘર્ષ છે. પિતા મહેશભાઈ RPFમાં નવ કલાકની કઠિન ફરજ બજાવ્યા બાદ ઘરે આવતા અને ત્યારબાદ દીકરાની ક્રિકેટ પ્રેક્ટિસ તથા બોર્ડિંગની વ્યવસ્થા માટે દોડધામ કરતા. મર્યાદિત પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું અને સાથે દીકરાના મોંઘા ક્રિકેટ કોચિંગનો ખર્ચ ઉઠાવવો સરળ નહોતો. તેમ છતાં પરિવારે ક્યારેય મોહિતના સપનાને આર્થિક પરિસ્થિતિના કારણે અટકવા દીધું નહીં.
દીકરાની ક્રિકેટ તાલીમનો ખર્ચ પહોંચી વળે તે માટે ઘરમાં રોજિંદી જરૂરિયાતોમાં પણ કરકસર કરવામાં આવતી હતી. પરિવારના સભ્યોએ પોતાની ઇચ્છાઓ અને સુખ-સુવિધાઓને બાજુ પર રાખી દીકરાની તાલીમને પ્રાથમિકતા આપી હતી. ઘણી વખત પારિવારિક પ્રસંગોમાં પિતા-દીકરો હાજર રહી શકતા નહોતા.
આ બાબતે પરિવારને અનેક લોકોએ એવી ટકોર પણ કરી હતી કે હવે તમે બહુ પૈસાદાર બની ગયા છો એટલે પ્રસંગોમાં આવતા નથી. પરંતુ હકીકત એ હતી કે આ પરિવાર પૈસાના અભાવે નહીં, પરંતુ દીકરાના સપનાને સાકાર કરવા માટે સમય અને સંજોગો સામે લડી રહ્યો હતો.
નાની બહેનનું નાનકડું બલિદાન ભાઈ માટે બન્યું મોટું વરદાન
મોહિતની સફળતામાં તેની નાની બહેનનો ફાળો પણ એટલો જ મહત્ત્વનો છે. જે ઉંમરે બહેનને રમકડાં અને પોતાની નાની-મોટી ઇચ્છાઓ પૂરી કરવાની હતી, તે ઉંમરે તેણે પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ સમજીને પોતાની ઇચ્છાઓ પર કાપ મૂક્યો હતો. ભાઈનું ક્રિકેટ કોચિંગ અટકે નહીં તે માટે બહેને પોતાના ખર્ચમાં પણ સમાધાન કર્યું. કદાચ તેના માટે આ નાનું બલિદાન હશે, પરંતુ ભાઈની કારકિર્દી માટે તે મોટું વરદાન સાબિત થયું છે.
માતાએ ઘર અને પરિવારની જવાબદારી સંભાળી, પિતાએ પોતાની મહેનત અને પરસેવાથી દીકરાનું સપનું જીવંત રાખ્યું અને બહેને પોતાની ઇચ્છાઓનું બલિદાન આપ્યું. આ રીતે મોહિતની સફળતા પાછળ આખા પરિવારની એકજૂથ મહેનત રહેલી છે.
આજે જ્યારે મોહિત ભારતીય અંડર-19 ટીમ સુધી પહોંચ્યો છે, ત્યારે વર્ષોનો સંઘર્ષ જાણે સફળતામાં પરિવર્તિત થયો છે. જે પરિવારે ક્યારેક છાશ-રોટલો ખાઈને દીકરાનું ક્રિકેટનું સપનું જીવંત રાખ્યું હતું, આજે એ જ પરિવારની આંખોમાં હરખનાં આંસુ છે. મોહિતની આ કહાની માત્ર એક ક્રિકેટરની સફળતાની કહાની નથી, પરંતુ માતા-પિતાના ત્યાગ, બહેનના સમર્પણ અને પરિવારના અતૂટ વિશ્વાસની પ્રેરણાદાયી ગાથા છે, કારણ કે મેદાનમાં વિકેટ ભલે મોહિત લેતો હોય, પરંતુ આ સફળતાની પાછળ આખા પરિવારે વર્ષો સુધી સંઘર્ષની ઇનિંગ રમી છે.
