Rajkot: થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.જેમાંથી છ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આજે બપોરે પકડાયેલા આ આરોપીઓને ઘટના સ્થળ પર રી કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ભેગા થઈ જતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, તેમજ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઘટનામાં પાંચ જેટલા પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર સોમવારના રોજ પોલીસ દ્વારા મર્ડરના મુખ્ય આરોપીને રી કન્સ્ટ્રક્શન ખાતે લઈ ગયા બાદ સ્થાનિક લોકો દ્વારા આરોપીનું વીંછિયા શહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા કે, તેમના દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે તે ગેર બંધારણીય છે. તેમજ કાયદાકીય રીતે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ ન નીકળી શકે. ત્યારે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે પથ્થર મારાની ઘટનામાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ છે. તો સાથે જ પોલીસના બે જેટલા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તો સાથોસાથ 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ 52 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
તેમજ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ હાલ ગુનો નોંધવાની કાર્યવાહી વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહ તેમજ રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ પણ ઘટના સ્થળે દોડી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળે દોડી જઈ બંને સિનિયર પોલીસ ઓફિસર દ્વારા ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટના મામલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારે યાદવે જણાવ્યું હતું કે, અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને સ્થળ પર વધારાની પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. હાલ ઘટના સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે. લોકોને ટોળું કાબુ ન આવતા અમુક વિસ્તારમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે અને ટીઅર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલો કાબુમાં આવી ચૂક્યો છે
લોકોના ટોળાને વિખેરવા સમયે થયેલી અફરાતફરીના પગલે પાંચ જેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા 20 જેટલા ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર સ્થિતિ પોલીસ કાબુમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે
શું છે સમગ્ર મામલો
રાજકોટ જિલ્લાના વીંછિયા ખાતે ગત 29મી ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિ ઉપર શેખા સાંબડ સહિતના વ્યક્તિઓ દ્વારા કુહાડી તેમજ લાકડી સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે જીવલેણ હુમલામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિનું મોત નીપજતા 31 ડિસેમ્બરના રોજ વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે શેખા સાંબડ તેમજ 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ મર્ડરની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે મર્ડરના ગુનામાં સંડોવાયેલ શેખા સાંબડને ઝડપી પાડી સોમવારના રોજ ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે વિંછીયા પોલીસ દ્વારા કુલ સાત આરોપીઓના નામ સામે આવ્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમજ તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર હોવાનું પણ સામે આવ્યું છે.
ક્યાં કારણોસર કરાઈ હતી ઘનશ્યામ રાજપરાની હત્યા?
ઘનશ્યામ રાજપરા દ્વારા મોટી થોરીયાળી ગામ ખાતે રબારી સમાજના મકાન પાડવા બાબતે અરજી કરવામાં આવી હતી. જે બાબતની અદાવત રાખીને શેખા સાંબડ સહિતના વ્યક્તિ દ્વારા ઘનશ્યામ રાજપરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવના દિવસે વીંછિયા બોટાદ રોડ ઉપર ઘનશ્યામ રાજપરા આઇસર રીપેરીંગ કરવા માટે ગયા હતા. તે દરમિયાન શેખા સાંબડ સહિતના વ્યક્તિઓ ત્યાં કુહાડી તેમજ લાકડી સાથે આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે થોરીયાળી ગામના અમારા રબારી સમાજના મકાન પાડવા માટે કેમ અરજી કર્યા કરો છો? તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ શેખા સાંબડ દ્વારા પોતાના હાથમાં રહેલ કુહાડી વડે માથાના ભાગે ઘા ઝીંકીને ઘનશ્યામ રાજપરાને જીવલેણ ઇજા પહોંચાડી હતી. તેમજ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પણ લાકડી વડે ઇજા પહોંચાડવામાં આવી હતી. જેથી સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત નીપજ્યું હતું.
