રાજકોટ: બ્યુટી પાર્લર સંચાલક મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, દેણું ચૂકવવા ભર્યું ઘાતકી પગલું; પાડોશમાં રહેતા બે ભાઈઓની ધરપકડ

પોલીસ ટીમોએ મૂળ આગ્રાના બે આરોપી ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 04:22 PM (IST)Updated: Sat, 19 Sep 2026 04:22 PM (IST)
rajkot-beauty-parlour-owner-geetaben-vaja-murder-case-two-accused-arrested
રાજકોટ હત્યા કેસ આરોપી

Rajkot Beauty Parlour Owner Murder: રાજકોટના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા બાપા સીતારામ નગરમાંએકલારહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા ગીતાબેન કિશોરભાઈ વાજાની હત્યાનો ભેદ રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાકાંડને વતનમાં લીધેલું 2 લાખનું દેણું ચૂકવવા માટે પાડોશમાં જ રહેતા આગ્રાના બે સગા ભાઈઓએ અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાની વિગતો અનુસાર, મૃતક ગીતાબેન વાજાના પતિ કિશોરભાઈ રવજીભાઈ વાજા અને પુત્ર આશિષ અલગ સલુનની દુકાન ધરાવે છે, અને ત્યાં જ રહે છે. જ્યારે અન્ય એક પુત્ર વડોદરા રહે છે. બનાવની આગલી રાત્રે પુત્ર આશિષ માતા પાસેથી ટિફિન લઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે તે ખાલી ટિફિન આપવા ઘરે આવ્યો ત્યારે ગીતાબેનનો ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયેલી લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાની ગંભીરતા જોઈ યુનિવર્સિટી પોલીસ ઉપરાંત LCB ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે આસપાસના કેટરિંગ સ્ટાફની પૂછપરછ કરતા ઘર પાછળ રહેતા મૂળ આગ્રાના બે ભાઈઓ રામનરેશ જાટવ અને સની જાટવની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.

સઘન પૂછપરછમાં બંનેએ કબૂલાત આપી હતી કે તેમણે વતનમાં સરપંચ પાસેથી કેટરિંગના ધંધા માટે 2 લાખની લોન લીધી હતી, જેના હપ્તા ચડી ગયા હોવાથી નાણાંની ભારે જરૂર હતી. ગીતાબેન એકલારહેતા હોવાનું અને સોનાના ઘરેણાં પહેરતાં હોવાનું જાણીને તેમણે મોટી રકમ મેળવવાની લાલચે લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ગત 17 સપ્ટેમ્બરની રાત્રે મોરબીથી કેટરિંગનું કામ પતાવીને આવેલા બંને ભાઈઓ દીવાલ ઠેકીને ઘરમાં ઘૂસ્યા હતા. અવાજ થતા ગીતાબેન જાગી જતા અને રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓએ કેટરિંગમાં વપરાતી મોટી ચોરસ છરી વડે તેમના ગળા તેમજ શરીર પર ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઘરમાં રાખેલા રોકડા 40 હજારની લૂંટ ચલાવી તેઓ ફરાર થઈ ગયા હતા.

હત્યા કર્યા બાદ આરોપીઓએ અગાસી પર જઈને લોહીવાળા કપડા સળગાવી દીધાહતા. શંકા ન જાય તે માટે બંને ભાઈઓ ભાગવાને બદલે પોલીસ તપાસ દરમિયાન સ્થળ પર જ હાજર રહ્યા હતા. પરંતુ પોલીસે તેમની શંકાસ્પદ હિલચાલ ભાપી જઈને સઘન પૂછપરછ કરતાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો.

પોલીસે ગુનામાં વપરાયેલી છરી અને સળગાવેલા કપડાંના અવશેષો કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી રામનરેશ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં ચોરી અને પોક્સો જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ સમગ્ર સફળ કામગીરી રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને યુનિવર્સિટી પોલીસની ટીમો દ્વારા પાર પાડવામાં આવી છે.