Rajkot News: રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમશે. એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ ૨મીને વિશ્વ વિક્રમ સર્જશે. જેની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયન ટ્રેડીશનલ બૂક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં નોંધણી કરાશે.
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર વિક્રમ સર્જવા આયોજન કરનાર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ હતું કે, રાજકોટના રેસકોર્સ ખાતે તારીખ 28ને શરદ પૂનમની રાતે 7થી 11 સુધી ગરબો ૨માશે. કલાકાર પાર્થિવ ગોહિલ અને તેની ટીમ દ્વારા લોકોને રાસે રમાડવામાં આવશે. વડાપ્રધાન દ્વારા લખેલા ગરબા ઉપર એક લાખ લોકો એકી સાથે ગરબા રમતા તેનો વિશ્વ વિક્રમ નોંધાશે અને આ માટે ત્રણ ટીમો નોંધણીની આવનારી છે.
ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શનિવારના રોજ વિશ્વ વિક્રમ સર્જાશે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા સહિતના સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો અને ભાજપ આગેવાનો તેમજ ગણમાન્ય આગેવાનો હાજરી આપશે.
અગાઉ વડોદરામાં 60 હજાર ખેલૈયાઓનો રેકોર્ડ હતો
આ પહેલાં વડોદરામાં 60 હજાર લોકો એકી સાથે રાસ રમેલા તે રેકોર્ડ છે. તે બ્રેક થશે અને નવા રેકોર્ડની નોંધણી થશે. રાજકોટ ખાતે રેસકોર્સ મેદાનમાં એકી સાથે એક લાખ લોકો ગરબા કરી શકે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વ વિક્રમ સર્જાશે.
ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા પ્રથમવાર આટલુ મોટુ આયોજન
ડ્રગ્સની બદી એ સમગ્ર ભારતભરમાં અને ગુજરાતના મોટા શહેરોમાં પણ પોતાનો વિકરાળ ભરડો લઇ રહી છે. શહેરના અનેક યુવાન યુવતીઓ જાણ્યે-અજાણ્યે ડ્રગ્સની ચુંગલમાં સપડાય જાય છે. આ દુષણને ડામવા સરકાર અને તંત્ર પણ પોતાનું કામ ખૂબ જ ગંભીરતાથી અને કટિબદ્ધતાથી કરી રહી છે, પરંતુ સમાજના સહકાર અને સહપ્રયત્નો વગર આ દુષણને ડામવું અઘરું છે. તેથી યુવાઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો ડ્રગ્સ મુક્તિ અંગે સંકલ્પ કરે, સમાજમાં ડ્રગ્સની આ બદીને દૂર કરવા માટેની જાગૃતિ કેળવાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
