Rajkot: રાજકોટ-અમદાવાદ હાઇવે પર મધરાતે ખાનગી બસમાં મહિલાની છેડતી કરવામાં આવી હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.મહિલાએ વિરોધ કરતા ચાલુ બેસે તેમને ધક્કો મારી બહાર ફેંકી દીધી હતી.
આ પરિણિતા રાજકોટના જંગલેશ્વરમાં રહે છે અને તે રાત્રે ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જવા બસમાં બેઠી હતી અને અંદાજિત બે કલાક બાદ લીંબડી પાસે હાઇવે પર રોડની સાઈડમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. હાલ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાએ બસના ક્લીનર સહિત ત્રણ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો
મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ રાજકોટના જંગલેશ્વરમાં પોતાના પતિ અને એક પુત્ર સાથે રહેતી પરિણીતાના નણંદ સુરત રહે છે. નણંદની દીકરી એટલે કે ભાણેજનો આજે જન્મદિવસ હોવાથી બર્થડે ઉજવવા મહિલા ખાનગી બસમાં સુરત જતી હતી. રાત્રે નવેક વાગ્યાં આસપાસ મહિલા ગ્રીન લેન્ડ ચોકડી ખાતેથી સ્લીપર કોચ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેઠી હતી.તેને બસમાં બેસાડવા તેમના પતિ આવ્યા હતા.
મહિલાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,બસ ઉપડી અને ચોટીલાથી લીંબડી તરફ જતા રસ્તે પહોંચી ત્યાં એક 18-19 વર્ષનો યુવાન આવ્યો હતો અને મારી બાજુમાં સોફામાં બેસી ગયો હતો અને મારો હાથ પકડી લીધો હતો. મેં તેનો વિરોધ કર્યો અને બસના ક્લિનરને જાણ કરી હતી.આથી તે યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આ ઘટના બન્યા બાદ મને બસમાંથી આગલા સ્ટેશને ઉતારી મૂકવા ક્લિનરને કહ્યું પણ ક્લીનરે ઉતરવા દીધી નહીં.થોડી વાર પછી 30-35 વર્ષનો એક યુવાન આવ્યો હતો અને સોફામાં મારી બાજુમાં બેસી ગયો હતો.તેની સાથે એસી ચાલુ બંધ કરવા મામલે માથાકૂટ કરી હતી. જેથી તમે કેમ એક મહિલાની બાજુમાં આવી બેઠા બીજી કોઈ જગ્યાએ બેસો તેમ કહેતા આ યુવકે પણ મારી પજવણી કરી હતી.
આથી બસનો ક્લિનર આવી ગયો હતો અને મને બસની કેબિનમાં લઈ ગયો અને કહ્યું કે,ચાલ ઉતરી જા. મેં કહ્યું અડધા રસ્તે મારે નથી ઉતરવું બાદમાં બોલાચાલી થતા મને ચાલુ બસે ક્લીનરે ધક્કો મારી દીધો હતો. મને માથામાં ઈજા થઈ હતી અને હું બેભાન થઈ ગઈ હતી અને કોઈ મને અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ,મહિલા લીંબડી પાસેથી ઈજાગ્રસ્ત મળી હતી.તેને પહેલા લીંબડીની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંથી રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ છે.આ ઘટનાની જાણ થતા તેમના પતિ પણ દોડી આવ્યા હતા.હાલ મહિલાનું નિવેદન લઈ તપાસ ખાનગી બસના નંબરને આધારે તપાસ હાથ ધરી હતી.
