Rajkot: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શ્રીનાથજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઑફિસમાં દિવાળીની આગલી રાતે માલવાહક લોડિંગ લિફ્ટ તૂટતા કામ કરી રહેલી મહિલાનું ફસાઈ જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લિફ્ટનો કેબલ તૂટી જતાં નીચે ઉભી રહેલી મહિલા પર લિફ્ટ ધડામ દઈને પડી હતી. આ ઘટનામાં લિફ્ટ કાપીને મહિલાને બહાર કાઢવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાગરિક બેંક વાળી ગલીમાં શ્રીનાથજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ઑફિશ ધરાવતા અને ત્યાં જ રહેતા શૈલેષ પાંભરના ઘરે ગઈકાલે રાતે 10 વાગ્યાના અરસામાં ટ્રાવેલ્સના રસોડાનો સામાન હેરફેર કરવા માટે 3 મહિલાઓ કામ કરી રહી હતી. આ દરમિયાન નાસ્તા માટે બ્રેક પડતા રેખા રાવરાણી (ઉં.વ. 37, રહે. નવાગામ) અન્ય બે મહિલાઓ સાથે લિફ્ટ નજીક નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે રેખાએ લિફ્ટ ક્યાં પહોંચી તે જોવા માટે પોતાનું ડોકું બહાર કાઢ્યું હતો.આ વખતે અકસ્માતે લિફ્ટનો કેબલ તૂટી ગયો હતો. જેથી લિફ્ટ ધડામ કરતી નીચે પટકાઈ હતી. જેથી નીચે ઉભા રહેલ રેખા માલવાહક લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગઈ હતી.
આ પણ વાંચો
આ દરમિયાન બૂમાબૂમ થતાં લોકો દોડી આવ્યા હતા અને લિફ્ટ કાપીને રેખાબેનને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ રેખાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં શ્રીનાથજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દિવાળીના વેકેશન નિમિત્તે મનાલીની ટુરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ટૂરમાં જતા મુસાફરોને જમવાની સુવિધા આપવામાં આવવાની હતી. જેથી શૈલેષ પાંભરનું ઘર અને ટ્રાવેલ્સ ઉપર-નીચે હોવાથી ઉપરના માળેથી રસોડાનો સામાન લઈને બસમાં ચડાવવામાં આવી રહ્યો હતો. જેના માટે રેખાબેન સહિત અન્ય ત્રણ મહિલાઓને રોજમદાર તરીકે કામ પર બોલાવવામાં આવી હતી. આ સમયે લૉડિંગ લિફ્ટનો કેબલ તૂટતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
