Rajkot News: રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન યોજાનાર બાબા બાગેશ્વરની 'સનાતન હનુમંત કથા' અને દિવ્ય દરબાર સામે 'ભારત જન વિજ્ઞાન જાથા'એ મોરચો માંડ્યો છે. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ પત્રકાર પરિષદમાં આ કાર્યક્રમની સખ્ત શબ્દોમાં નિંદા કરતા તેને 'પાખંડ' ગણાવ્યું હતું અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનનું એલાન આપ્યું છે.
એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, "અમે સનાતન હનુમંત કથાનો વિરોધ નથી કરતા, પરંતુ દિવ્ય દરબારના નામે ચાલતા તૂતનો વિરોધ કરીએ છીએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મેડિકલ લાયસન્સ વગર અસાધ્ય રોગ મટાડવાના દાવા બેબુનિયાદ અને બોગસ છે.પરચી કાઢવી અને દિવ્ય શક્તિથી નામ બોલવા જેવી બાબતો વૈજ્ઞાનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરાતું ષડયંત્ર છે.નિર્દોષ અને ભોળા શ્રદ્ધાળુઓને ધર્મના નામે ગુમરાહ કરવામાં આવે છે.બાબા દ્વારા ભૂતકાળમાં દેશની કોઈ પણ હોનારત કે અકસ્માતની આગોતરી જાણકારી ન આપવી તે તેમની પોકળતા સાબિત કરે છે.
જાથાએ આક્ષેપ કર્યો છે કે બાબા બાગેશ્વર પોતાની પ્રસિદ્ધિ અને રાજકીય પક્ષોના ઈશારે હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. લોકોના મૂળ પ્રશ્નો જેવા કે મોંઘવારી, બેરોજગારી અને ગરીબાઈ પરથી ધ્યાન હટાવવા માટે જ આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. પંડ્યાએ કહ્યું કે વિશ્વનો કોઈ પણ દેશ ધર્મના આધારે પ્રગતિ કરી શક્યો નથી, દેશને બાબાઓની નહીં પણ વિજ્ઞાનની જરૂર છે.
વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટમાં 4 અને 5 જૂનના રોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય મથકો પર શુભેચ્છકોની મદદથી બાબા વિરુદ્ધ સૂત્રોચાર કરી જાગૃતિ ફેલાવવાની અપીલ કરવામાં આવી છે. જાથાએ સ્પષ્ટ કર્યું છે કે જો કાર્યક્રમ દરમિયાન બાબા કોઈ પણ કાયદાનો ભંગ કરશે, તો પુરાવા સાથે પોલીસમાં ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવશે.
આ વિરોધ કાર્યક્રમમાં દેવજીભાઈ પડસુંબિયા, રમેશભાઈ રાઠોડ, ગુલાબસિંહ ચૌહાણ સહિતના અનેક સ્થાનિક કાર્યકરો જોડાયા હતા અને બાબા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. જાથાએ જણાવ્યું છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી વૈજ્ઞાનિક અભિગમ માટે કામ કરે છે અને સરકારની મંજૂરી મળ્યા બાદ વિરોધ કાર્યક્રમને વધુ વેગવંતુ બનાવવામાં આવશે.
