IIT દિલ્હીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીનો હળવો અંદાજ: ‘હું બાબા બાગેશ્વર નથી...’ કહેતાં જ હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું

આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. જોકે, સંબોધન દરમિયાન પીએમ મોદીના એક રમુજી નિવેદને સમગ્ર હોલમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું અને વાતાવરણ અત્યંત હળવાશભર્યું બની ગયું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 08 Aug 2026 02:51 PM (IST)Updated: Sat, 08 Aug 2026 02:51 PM (IST)
pm-modi-light-hearted-remark-at-iit-delhi-57th-convocation-address-to-students
પીએમ મોદી આઈઆઈટી દિલ્હી દીક્ષાંત સમારોહ

PM Modi IIT Delhi Convocation: દેશની અગ્રણી શિક્ષણ સંસ્થા IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. જોકે, સંબોધન દરમિયાન પીએમ મોદીના એક રમુજી નિવેદને સમગ્ર હોલમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું અને વાતાવરણ અત્યંત હળવાશભર્યું બની ગયું હતું.

‘હું બાબા બાગેશ્વર નથી...’ પીએમ મોદીની વાત સાંભળી હોલમાં હાસ્ય ગુંજ્યું

પોતાના સંબોધનની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓની મનોસ્થિતિ અને ભવિષ્યની ચિંતાઓને લઈને એક મજેદાર ટિપ્પણી કરી હતી. પીએમ મોદીએ હસતાં હસતાં કહ્યું કે, "આ સમયે તમારા મગજમાં કંઈક બીજું જ ચાલતું હશે. હું કંઈ બાબા બાગેશ્વર નથી, પરંતુ હું ચોક્કસપણે જાણી શકું છું કે આ ક્ષણે દરેક વિદ્યાર્થીના મનમાં પોતાના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા હશે." વડાપ્રધાનનો આ અંદાજ સાંભળીને હોલમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ જોરજોરથી હસી પડ્યા હતા અને તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો.

સ્ટાર્ટઅપથી લઈને સરકારી નોકરી સુધીની વાત

પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, દીક્ષાંત સમારોહ પૂરો થયા બાદ દરેક વિદ્યાર્થીની સફર અલગ દિશામાં જવાની છે. "ઘણા વિદ્યાર્થીઓ હવે કોઈ નવા શહેરમાં નવી શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હશે, તો ઘણા પોતાના પ્રથમ પગારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે. કેટલાક યુવાનો પોતાના સ્વતંત્ર સ્ટાર્ટઅપનું સપનું સેવી રહ્યા હશે, તો કેટલાક સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગી જશે." તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક યુવાનની ક્ષમતા અને તેનું લક્ષ્ય અલગ હોય છે.

યુવા શક્તિ જ ભારતનો અસલી આધાર

પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વડાપ્રધાને યુવાનોને સતત આગળ વધવા અને શીખતા રહેવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં જે ઝડપે આગળ વધી રહ્યું છે તેની પાછળ દેશની યુવા શક્તિનો હાથ છે. યુવાનોએ પોતાની નવીન વિચારસણી દ્વારા દેશના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને એક નવી ઊંચાઈ અને તાકાત આપી છે. દરેક યુવાનમાં હંમેશા કંઈક નવું શીખવાની જિજ્ઞાસા જીવંત રહેવી જોઈએ, કારણ કે યુવાની જ ભારતની સૌથી મોટી શક્તિ છે.