Rajkot: રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારથી લઈને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને પડધરી તાલુકાના સરપદળ ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.
શિયાળામાં અષાઢી માહોલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પડધરી પંથકમાં પડેલા ધોધમાર વરસાદની સાથે જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે અચાનક પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
આ પણ વાંચો
ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા આ કમોસમી વરસાદ અથવા 'માવઠા' એ જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. હાલ ખેતરોમાં જીરું, ધાણા, ચણા અને ઘઉં જેવા રવિ પાક તૈયાર થઈ રહ્યા છે, ત્યારે આ સમયે પડેલો વરસાદ પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ખેડૂતોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો વરસાદી માહોલ વધુ સમય ચાલુ રહેશે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે.
હવામાન વિભાગની આગાહીની અસર
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ ને કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીની સીધી અસર આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જોવા મળી હતી. માત્ર રાજકોટ જ નહીં, પણ કચ્છ અને દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
