રાજકોટમાં લોહીયાળ અથડામણઃ મિલકતમાં ભાગ કેમ નથી આપતા? કહી કૌટુંબીક ભાઇ છરી વડે તૂટી પડ્યો, બેના મોત

કૌટુંબિક ભાઈએ આક્રોશમાં આવીને તમે અમને અમારો ભાગ કેમ આપતા નથી? તેવું કહી છરી કાઢીને સુરેશભાઈ, રાજુભાઈ અને લાખાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશભાઈને ગંભીર ઈજાઓ થતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 20 Jul 2026 12:03 PM (IST)Updated: Mon, 20 Jul 2026 12:03 PM (IST)
rajkot-news-two-killed-in-knife-attack-after-family-property-dispute

Rajkot News: રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં મિલકતના ભાગ પાડવા બાબતે થયેલા વિવાદે ગંભીર વળાંક લીધો છે. કૌટુંબિક ભાઈઓ વચ્ચેની માથાકૂટ આખરે ખૂની ખેલમાં પરિણમી હતી, જેમાં છરી વડે કરવામાં આવેલા હુમલામાં 50 વર્ષીય સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલામાં સુરેશભાઈના પુત્ર લાખાભાઈ અને રાજેશભાઇ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા રાજેશભાઇ ધોળકીયાનુ સારવારમાં મોત નીપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયાધાર પાસે આવેલા બંસીધર પાર્કમાં રહેતા સુરેશભાઈ ધોળકિયા અને તેમનો 22 વર્ષીય પુત્ર લાખો, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા તેમના નાનાભાઈ રાજુભાઈ ધોળકિયાના ઘરે ગયા હતા. આ દરમિયાન, તેમના કૌટુંબિક ભાઈ હાર્દિક ધુડાભાઈ ધોળકિયા ત્યાં આવી પહોંચ્યો હતો. અને મિલકતના ભાગ બાબતે ઉગ્ર રકઝક શરૂ કરી હતી. હાર્દિક ગાળાગાળી કરી રહ્યો હોવાથી સુરેશભાઈ અને લાખો બંને તેને સમજાવવા ગયા હતા.

વાતચીત દરમિયાન હાર્દિકે આક્રોશમાં આવીને "તમે અમને અમારો ભાગ કેમ આપતા નથી?" તેવું કહી છરી કાઢીને સુરેશભાઈ, રાજુભાઈ અને લાખાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશભાઈને ગંભીર ઈજાઓ થતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જયારે આ ઘટનામાં મૃતક સુરેશભાઇના સગાભાઇ રાજેશભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવાનુ પોલીસમાંથી જાણવા મળી રહ્યુ છે. વળતા હુમલામાં સામે પક્ષે હાર્દિક ધોળકિયાને પણ ગંભીર ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.