Rajkot: રાજકોટમાં દિન-પ્રતિદિન રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો હોય, તેમ લાગી રહ્યું છે. આજે પણ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં ઘર નજીક રમી રહેલા બાળક પર રખડતા શ્વાનના ટોળાએ અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ જંગલેશ્વરમાં આવેલ નીલકંઠ પાર્કમાં એક બાળક પોતાના ઘરની નજીક રમી રહ્યું હતુ. આ સમયે અચાનક 7 થી 8 જેટલા ડાઘીયા કૂતરાઓનું ટોળું બાળક પર ફરી વળ્યું હતુ. જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ જંગલેશ્વર વિસ્તારમાં જ રખડતા શ્વાને પરપ્રાંતીય પરિવારની માસૂમ દીકરીને ફાડી ખાધી હતી. જ્યારે ગત શનિવારે પણ નીલકંઠ પાર્ક સોસાયટીમાં એક બાળકી ચાલતી જઈ રહી હતી, ત્યારે જ રખડતા કૂતરાઓના ટોળાએ તેને ઘેરી લઈને ભસવા લાગ્યા હતા. જેથી ડરી ગયેલી બાળકીએ બૂમાબૂમ કરતાં નજીકમાંથી પસાર થઈ રહેલ એક બાઈક ચાલક તેને કૂતરાની ચુંગાલમાંથી છોડાવીને ઘરે મૂકી આવ્યો હતો.
આમ જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનના સતત વધતા આતંકથી હવે સ્થાનિક રહીશો પણ ડરી રહ્યાં છે. તેમજ તંત્રની કામગીરી સામે પણ સતત સવાલો ઉઠાવી રહ્યાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
