Rajkot: મોબાઈલના વળગણમાં વિદ્યાર્થીનો આપઘાત, પિતાએ પાસવર્ડ બદલી નાંખતા 12 વર્ષનો પુત્ર છતની એંગલ સાથે સાડી બાંધી લટકી ગયો

પિતા રિક્ષા લઈને ધંધે ગયા, ત્યારે મોબાઈલનું લોક ના ખુલતા હતાશ પુત્રએ રૂમમાં જઈને અંતિમ પગલું ભરી લીધુ. માતાએ પુત્રની લાશ લટકતી જોતા પતિને ફોન પર જાણ કરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 20 Dec 2025 06:31 PM (IST)Updated: Sat 20 Dec 2025 06:31 PM (IST)
rajkot-news-std-7th-student-suicide-due-to-mobile-addiction-659002
HIGHLIGHTS
  • મૂળ ઉત્તર પ્રદેશનો સૌરભ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો
  • પુત્ર સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોવાથી પિતાએ લઈને લોક પાસવર્ડ ચેન્જ કર્યો

Rajkot: કોરોના કાળ બાદ બાળકોમાં મોબાઇલનું વળગણ દિન-પ્રતિદિન વધતું જાય છે. એ સમયે બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઇન મોબાઇલમાં લેવાતા હતા.હવે કોરોના જતો રહ્યો, પરંતુ બાળકોમાં મોબાઈલનું વળગણ છૂંટતું જ નથી. એવામાં મોબાઈલના વળગણના કારણે એક શ્રમિક પરિવારને પોતાનો પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં સતત મોબાઈલમાં મશગુલ રહેતા પુત્રને પિતાએ ઠપકો આપીને પાસવર્ડ બદલી નાંખ્યો હતો. જેનું લાગી આવતા પુત્રએ ગળેફાંસો ખાધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ પર રહેતો સૌરભ પાંડે (12)એ ગઈકાલે પોતાના ઘરના રૂમમાં છતના એંગલમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલ 108ના EMT બાબુભાઈ મેરએ સૌરભને મૃત જાહેર કર્યો હતો. જે બાદ માલવિયાનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને મૃતકના પિતા રિક્ષા ચલાવે છે. સૌરભ ધો.7 માં અભ્યાસ કરતો હતો. તેનો નાનો ભાઈ રૂદ્ર 5 વર્ષનો છે. પરિવાર ચંદ્રેશ નગર મેઇન રોડ પર યુનિવર્સલ સ્કૂલ પાસે રહે છે.સૌરભે પગલું ભર્યું તે અંગે પ્રથમ માતા ગિરીજાબેનને જાણ થતા તેઓએ તુરંત પતિ રાકેશભાઈને જાણ કરી હતી.બાદમાં 108 માં જાણ કરાઈ હતી.તેનો પરિવાર 20 વર્ષથી રાજકોટમાં રહે છે.

ગઈકાલે સૌરભ શાળાએથી ઘરે આવ્યો હતો અને બાદમાં બીજું બધું કામ મુકી ઘરના મોબાઇલમાં મશગુલ થઈ ગયો હતો.આથી પિતાએ ઠપકો આપ્યો હતો અને આખો દિવસ મોબાઈલમાં શું મશગુલ રહે છે તેમ ઠપકો આપ્યો હતો.સૌરભ પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને તેનો લોક પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો હતો.

બપોરે ત્રણ વાગ્યે પિતા રિક્ષા લઇ ધંધો કરવા ચાલ્યા ગયા હતા. જે બાદ સૌરભએ ફરી મોબાઈલ હાથમાં લીધો પણ પાસ વર્ડ ચેન્જ હોવાથી મોબાઈલનો લોક ખુલ્યો નહોતો. લોકના ખુલતા સૌરભ ગુસ્સે થઈ માતાને પાસવર્ડ બદલી આપવાનું કહ્યું. જો કે માતાને પણ પાસવર્ડ ખબર ના હોવાથી લોક નહતુ ખુલ્યુ. જેથી સૌરભ માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જે બાદ માતા ઘર કામમાં વ્યસ્ત હતા, ત્યારે સૌરભે રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું.