રાજકોટ.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા અને અરડોઈ ગામ વચ્ચેની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડો પાડી રૂ. 3.50 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના 2 સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સહિત 4 જણાને વૉન્ટેડ જાહેર કર્યાં છે.
સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા દેશી દારૂના ભઠ્ઠા ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમ ત્રાટકતા હવે સ્થાનિક પોલીસ સામે પગલા ભરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોટડાસાંગાણીના હડમતાળાની સીમમાં દરગાહ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના DySp કે.ટી.કામળીયાની સૂચનાથી PSI રવિરાજસિંહ જાડેજા અને તેમની ટીમે દરોડો પાડતા ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
SMCએ પાડેલા દરોડામાં રૂ.10,500ની કિમતનો 5250 લીટર આથો, 18 બેરલ, પાઈપ તથા 5750ની રોકડ તથા મોબાઈલ અને વાહન મળી 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડામાં રાજકોટના નવાગામના વલ્લભ દામજી જાંબુકિયા,અનિલ સુનિલ સોલંકી તેમજ લોઠડાના જયેશ ધીરુ મેર, રાહુલ દેવજી ચૌહાણની ધરપકડ કરવા સાથે દેશી દારૂ અને આથા સહિત રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દરોડા વખતે ફરાર થઈ ગયેલા ધીરુ વેલાભાઇ મેર,સુરેશ બાલા સોલંકી,લતાબેન અને લતાબેનનો પિતરાઈ છોટા હાથીમાં દેશી દારૂની સામગ્રી ભરી ફરાર થઈ ગયા હતા. જેમને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.