Rajkot: શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને હડફેટે લઈ અકસ્માતો સર્જતા હોય છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં આમ્રપાલી ફાટક નજીક બેફામ સ્પીડે ધસી આવેલી મર્સિડીઝ કારના ચાલકે પાંચ વાહનોને હડફેટે લેતાં અકસ્માતની હારમાળા સર્જાઈ હતી.
માંતેલા સાંઢ માફક ધસી આવેલી મર્સિડીઝ કારે બે કાર અને ત્રણ સ્કૂટરને ઠોકરે ચડાવતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર મર્સિડીઝ કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે આજરોજ બપોરના સમયે શ્રેયષ સોસાયટી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી મર્સિડીસ આવેલી કારે એક બાદ એક પાંચ જેટલા વાહનોને હડફેટે લીધા હતા. કારચાલકે ત્રણ એકટિવા અને બે કારને હડફેટે લઈ તેમાં નુકસાન કર્યું હતું. જો કે સદનશીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થયાનું જાણવા મળ્યું નથી.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફતાતફી મચી જવા પામી હતી. આ દરમિયાન બનાવ સ્થળેથી જાણવા મળેલી વિગતો મુજબ, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અકસ્માતની આ ઘટનાને લઇ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.
