Rajkot: રાજકોટમાં પ્રેમલગ્ન બાદ પત્ની ભાગી જતાં જમાઈએ સાસુ પણ જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના લાયસન્સનગરમાં રહેતા પલ્લવીબેન ત્રિપુદી (40) નામની મહિલા આજે સવારે એક્ટિવા લઈને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પોતાની મોટી પુત્રીના ઘરે આવતા હતા. તેઓ જામનગર રોડ પરથી એરપોર્ટ રોડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમનો નાનો જમાઈ રાઘવ કુંવરિયા તેના ત્રણ સાગરિતો સાથે કારમાં ધસી આવ્યો હતો.
આ પણ વાંચો
રાઘવે કારથી એક્ટિવાને આંતરી પલ્લવીબેન પર છરી ઝીંકી દીધી હતી. જમાઈએ ઓચિંતા હુમલો કરતાં પલ્લવીબેન ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા. જેથી તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ દોડી જઈને પલ્લવીબેનનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પલ્લવીબેનની નાની પુત્રી પ્રાર્થનાએ રાઘવ કુંવરીયા સાથે 8 મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જો કે પ્રાર્થના ઘરેથી ભાગી ગઈ હતી. જેથી રાઘવે પલ્લવીબેનને ફોન કરીને ધમકી આપી હતી કે, તમારી પુત્રી જ્યાં હોય ત્યાંથી પરત મોકલાવો. આથી ડરી ગયેલા પલ્લવીબેન એક્ટિવા લઈ રાજકોટમાં રહેતી મોટી પુત્રીના ઘરે જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં જમાઈએ તેમના પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
