Rajkot: રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને (SOG) લુપ્ત થતી પ્રજાતિના એક અતિ દુર્લભ પ્રાણી 'પેંગોલિન' (કીડીખાઉ)ના ગેરકાયદેસર વેપારના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળી છે.
રાજકોટ SOGની ટીમે મળેલી ગુપ્ત બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસે રહેલા પેંગોલિનને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યા છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓની ઓળખ બિજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિહાભાઈ મકવાણા તરીકે થઈ છે.
આ બન્ને આરોપીઓએ દુર્લભ પેંગોલિનને ગીર વિસ્તારમાં આવેલા ઘાંટવડ ગામની એક વાડીમાં છૂપાવીને રાખ્યું હતુ. જેને વેચવા માટેની ડીલ કરવા આવ્યા, ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પેંગોલિનની કિંમત 22 કરોડ રૂપયા જેટલી આંકવામાં આવે છે.
જણાવી દઈએ કે, પેંગોલિન એક લુપ્ત થતી અને અતિ દુર્લભ પ્રજાતિ છે. જેને ગુજરાતીમાં 'કીડીખાઉ' પણ કહેવાય છે. તેના શરીર પર મગર કે કાચબા જેવા જાડા 'શેલ' (ભીંગડા) હોય છે. આ શેલનો પાવડર બનાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે, જેનો ઉપયોગ અમુક દવાઓમાં થાય છે.
વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર વેપારમાં આ પ્રાણી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે અને તે CITESના સ્કેડ્યુલ-1માં સમાવેશ પામે છે.બંને આરોપીઓને વધુ તપાસ અર્થે વન વિભાગને સોંપવામાં આવ્યા છે અને નામદાર કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.
પેંગોલિનના ભીંગડામાં માનવ નખમાં મળતું કેરેટિન નામનું તત્વ મળી આવે છે. પેંગોલિન પોતાની લાંબી જીભ વડે કીડીઓ તેમજ નાના જંતુઓને ખાય છે. એશિયામાં ભારત ઉપરાંત ચીન અને ફિલિપાઈન્સમાં પેંગોલિયનની પ્રજાતિઓ જોવા મળે છે.
