Namada: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ કેવડિયા-એકતાનગર ખાતે ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાનાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમર્થન અને હાજરી સાથે આ ઐતિહાસિક કાર્યક્રમનું નિરીક્ષણ કરશે. આ પ્રસંગે કેટલાક મહત્વપૂર્ણ નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ વર્ષે આ પરેડ ખાસ નોંધપાત્ર બની રહશે કારણ કે, પ્રથમવાર સુરક્ષા દળોની ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ કરી રહી છે. NCC કેડેટ્સથી લઈને દેશની આર્મી, નેવી, એરફોર્સ, NSG કમાન્ડો, BSF અને રાજ્યોના પોલીસ દળોની પ્લાટુનનું નેતૃત્વ IPS અને DYSP કક્ષાની ઉચ્ચ મહિલા અધિકારીઓ કરશે. આ અભૂતપૂર્વ નિર્ણયો સાથે પરેડમાં મહિલાઓના નેતૃત્વનો મજબૂત સંદેશો પ્રગટશે.
પરેડનું આયોજન સ્થળ પણ બદલાયું છે. અગાઉ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે બસ પાર્કિંગ પોઇન્ટ પર યોજાતી પરેડને બદલે, હવે કેવડિયા-એકતાનગરના મુખ્ય માર્ગ પર દિલ્હીમાં રાષ્ટ્રીય પર્વ સમયે યોજાતા ભવ્ય પરેડ જેવો જ દૃશ્ય રચાશે. છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળોની સઘન પ્રેક્ટિસ ચાલી રહી છે, અને દરેક ટુકડી પરેડ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા મહિલા અધિકારીઓ ગુજરાતની મહેમાનગતિથી પ્રભાવિત થઈ છે. તેમણે જણાવ્યું કે, પરેડની તૈયારી સાથે તેઓ ગુજરાતના પરંપરાગત હાંડવો, ઢોકળા અને વિશિષ્ટ થાળીઓનો સ્વાદ માણી રહ્યા છે અને આ અનુભવથી તેમની ઉત્સાહની લાગણી દબાવી શકાતી નથી.
સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, આ પરેડ માત્ર દળોની કસરત નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સમર્પણ અને એકતા દ્રઢતાનું પ્રતિબિંબ હશે. આ ભવ્ય પ્રસંગ દેશભરમાં નવો ઉત્સાહ અને ગર્વભેરની ભાવનાને પ્રગટ કરશે.
