Rajkot News: અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સામાજિક અભિયાન શરૂ, ટેકેદારોએ ગૃહમંત્રીને રજૂઆતનો ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલ્યો

જે કેદીઓએ 14 વર્ષની સજા પૂરી કરી હોય અને જેલવાસ દરમિયાન જેમનું વર્તન સારું હોય, તેમને જેલમુક્ત કરવા અંગે નિર્ણય લઈ શકાય છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 05:29 PM (IST)Updated: Fri, 26 Sep 2025 05:29 PM (IST)
rajkot-news-social-campaign-for-release-ribda-anirudhsinh-jadeja-in-popat-sorathiya-murder-case
HIGHLIGHTS
  • લેટર પેડ પર ડ્રાફ્ટની પ્રિન્ટ કાઢી પોસ્ટ અથવા ઈ-મેઈલ મારફતે સરકારને મોકલાયો
  • વિવિધ સંસ્થાઓ,મંડળો અને આગેવાનોએ અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફી માટે અપીલ કરી

Rajkot News: ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રીબડાવાળા અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે એક સામાજિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેમની સજા માફીનો હુકમ રદ કરીને સરેન્ડર કરવાનો આદેશ આપ્યા બાદ, અનિરૂદ્ધસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં છે.

આ સંજોગોમાં તેમના ટેકેદારો દ્વારા વિવિધ સંસ્થાઓ, મંડળો અને આગેવાનોને એક તૈયાર ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં ગૃહમંત્રીને સંબોધન કરીને અનિરૂદ્ધસિંહની સજા માફી માટે રજૂઆત કરવા અપીલ કરવામાં આવી છે. ટેકેદારોએ આગેવાનોને પોતાના લેટરપેડ પર આ ડ્રાફ્ટની પ્રિન્ટ કાઢી પોસ્ટ અથવા ઈમેલ મારફત સરકારને મોકલી આપવા જણાવ્યું છે.

સરકારને કરાયેલી રજૂઆતના મુખ્ય મુદ્દાઓ:

  • ગુજરાત સરકારના 9 જુલાઈ, 1992ના પરિપત્ર મુજબ, જે કેદીઓએ 14 વર્ષની સજા પૂરી કરી હોય અને જેલવાસ દરમિયાન જેમનું વર્તન સારું હોય, તેમને જેલમુક્ત કરવા અંગે નિર્ણય લઈ શકાય છે.
  • આ પરિપત્ર બાદ વર્ષ 2014માં અનિરૂદ્ધસિંહ માટે સજા માફી અંગે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.
  • આ સમયે મૃતક પોપટભાઈ સોરઠીયાના પુત્ર લલિતભાઈ સોરઠીયાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, જો અનિરૂદ્ધસિંહને જેલમુક્ત કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. આ અભિયાન દ્વારા અનિરૂદ્ધસિંહની જેલમુક્તિ માટે કાનૂની દાવપેચ ઉપરાંત સામાજિક દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે, આજથી 37 વર્ષ અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલના તત્કાલિન ધારાસભ્ય પોપટ સોરઠિયાની 15મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન હત્યા કરી હતી. 1988માં થયેલ હત્યાના કેસમાં કોર્ટે 1997માં અનિરુદ્ધસિંહ જાડેજાને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જે બાદ 2000ની સાલથી અનિરુદ્ધસિંહ જાડેદાએ 2 દાયકા જેટલો સમય જેલમાં જ વીતાવ્યો હતો. જે બાદ જેલ અધિક્ષક ટી.એસ. બિસ્ટ દ્વારા તેમની સજા માફ કરવામાં આવતા તેમનો છૂટકારો થયો હતો.

જો કે આ મામલે મૃતકના પૌત્ર હરેશ સોરઠિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ્દ કરવાની માંગ કરી હતી. જેના આધારે હાઈકોર્ટે તેમને સરેન્ડર કરવાનો હુકમ કરતાં અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ.