Rajkot News: રાજકુમાર જાટ મોતના ચકચારી કેસમાં મોટો વળાંક, ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને SIT દ્વારા ક્લીનચિટ

ગત વર્ષે રાજકોટના પુલ નીચેથી યુવાન રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ પર હત્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Mar 2026 12:57 PM (IST)Updated: Mon, 09 Mar 2026 12:57 PM (IST)
rajkot-news-sit-gives-clean-chit-to-ganesh-gondal-in-rajkumar-jat-death-case

Rajkot News: રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર પાઉંભાજીના વેપારીના પુત્ર રાજકુમાર જાટના મોતના ચકચારી કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને આ મામલે મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે રચેલી SIT દ્વારા ક્લીનચિટનો રિપોર્ટ રજૂ કરાયો છે.

ગત વર્ષે રાજકોટના પુલ નીચેથી યુવાન રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ પર હત્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ પરિવારે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેના પગલે આ કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

પરિવારની પિટિશન બાદ હાઈકોર્ટના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને DYSP જે.ડી. પુરોહિતની આગેવાનીમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. SIT ટીમ દ્વારા સતત ત્રણ મહિના સુધી આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં બનાવ સ્થળના CCTV ફૂટેજ, અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર, તેમજ ગણેશ ગોંડલ અને તેમના સાથીઓના નિવેદનો સહિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.

હાઈકોર્ટમાં શાહેદોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, રાજકુમાર જાટનું મોત હત્યા નહીં પરંતુ એક અકસ્માત જ હતો. આ અકસ્માતના બનાવમાં ગણેશ ગોંડલનો કોઈ જ હાથ ન હોવાનું SIT તપાસમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે. આ સાથે મૃતકના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ પર લગાવવામાં આવેલા હત્યાના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્થાનિક પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ આ ઘટનાને અકસ્માત જણાવાઈ હતી, જેના પર હવે SIT તપાસ બાદ મહોર વાગી છે. હાઈકોર્ટમાં સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા સાથે ક્લીનચિટનો રિપોર્ટ રજૂ થઈ જતા, આ કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત મળી છે. હવે આ મામલે આગામી મુદત 29 જૂન, 2026 ના રોજ આપવામાં આવી છે.

આ મામલે DYSP જે.ડી. પુરોહિત, જેઓ SIT ના તપાસ અધિકારી પણ છે, તેમણે જણાવ્યું હતું કે, ગોંડલના રાજકુમાર જાટનાં મોતના બનાવ અંગનો તપાસ રિપોર્ટ નામદાર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ગણેશ ગોંડલનો અકસ્માતના બનાવમાં કોઈ હાથ નહીં હોવાનું જોવા મળ્યું છે. રિપોર્ટમાં શાહેદોના નિવેદનો, સીસીટીવી કેમેરાના ફૂટેજો અને અન્ય દસ્તાવેજી પુરાવા સાથેનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે.