Rajkot News: ગોંડલમાં ચકચાર મચાવનાર રાજકુમાર જાટના અપમૃત્યુ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પિતા રતનલાલ જાટ દ્વારા કરવામાં આવેલી અરજી પરની સુનાવણી દરમિયાન, પિતાએ વધુ એક વખત આ સમગ્ર કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને સોંપવાની ઉગ્ર માંગ કરી છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તમામ રિપોર્ટ્સ તપાસવા માટે વધુ સુનાવણી 28 જુલાઈના રોજ નિયત કરી છે.
અરજદાર મૃતકના પિતાની મુખ્ય રજૂઆતો
અરજદારના વકીલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ પોલીસ તપાસની કામગીરી પર શંકા વ્યક્ત કરતા કેટલાક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા:
ઈજાઓના નિશાન: અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં એવી ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સામાન્ય અકસ્માતમાં થઈ શકે નહીં. આ ઈજાઓ હત્યાની શંકા ઉપજાવે છે.
આ ઘટના પાછળના અનેક સવાલોના જવાબ પોલીસ તપાસમાં હજુ પણ મળી રહ્યા નથી. અરજદારે દાવો કર્યો હતો કે તેમની પાસે રહેલી માહિતી મુજબ મુખ્ય શંકાસ્પદ ગણેશ જાડેજા અને મહાસાગર ટ્રાવેલ્સના માલિક એકબીજાથી પરિચિત છે.સરકારી વકીલનો બચાવ અને તપાસનો ચિતાર સામે પક્ષે, સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ તપાસની વિગતો રજૂ કરતા નીચે મુજબના મુદ્દાઓ જણાવાયા હતા: પોલીસે કેસને લગતા તમામ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ મેળવીને સઘન તપાસ કરી છે.સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીના ઘરે મૃતકને માર મારવામાં આવ્યો હતો. જોકે, સરકારી વકીલના જણાવ્યા મુજબ, આ માર કોઈ હથિયાર વડે નહીં પરંતુ માત્ર હાથથી મારવામાં આવ્યો હોવાનું ફૂટેજમાં દેખાય છે.
અકસ્માત બાદ મહાસાગર બસના ડ્રાઈવર અને માલિક વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. પોલીસ પાસે તેનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે અને તેની 'વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી' પણ કરાવવામાં આવી છે. અકસ્માત બાદ બસને રિપેરિંગ માટે જે ગેરેજ પર લઈ જવામાં આવી હતી, ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ તપાસ એજન્સીએ મેળવી લીધા છે.હાઈકોર્ટનો સવાલ અને આગામી કાર્યવાહીસુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલને સીધો પ્રશ્ન કર્યો હતો કે, "શું તમે શંકાસ્પદ (સસ્પેક્ટ) અને બસ માલિક વચ્ચેના કનેક્શન અંગે કોઈ તપાસ કરી છે?
જેના જવાબમાં સરકારી વકીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હા, આ દિશામાં તપાસ કરવામાં આવી છે અને બંને વચ્ચે કોઈ જ સંબંધ હોવાનું સામે આવ્યું નથી.
બંને પક્ષોની દલીલો અને પોલીસ તપાસની પ્રાથમિક વિગતો સાંભળ્યા બાદ, ગુજરાત હાઈકોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવનાર તમામ રિપોર્ટ્સનું ઝીણવટભર્યું અવલોકન કરવા માટે આગામી સુનાવણી 28 જુલાઈના રોજ મુકરર કરી છે.
શું હતો મામલો ?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો.
પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી. ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલનાં લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
