Rajkot: શિક્ષિકાના દુષ્કર્મના આક્ષેપ બાદ વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ, 16 મિનિટના વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા કરી ઝેર ગટગટાવ્યું

શિક્ષિકાને વિદેશમાં સેટ થવા રૂપિયાની જરૂર હોવાથી મને ખોટા કેસમાં ફસાવ્યો. પૈસા પડાવવા અને બદનામીથી બચવા ખોટો આરોપ લગાવ્યો: વિદ્યાર્થી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 11:09 PM (IST)Updated: Fri, 27 Mar 2026 11:09 PM (IST)
rajkot-news-shocking-twist-in-rape-case-accused-student-attempts-suicide-after-viral-video-against-teacher
HIGHLIGHTS
  • ડિવોર્સી શિક્ષિકાએ 'હિડન બૉયફ્રેન્ડ' બનાવી રાખ્યો હોવાનો વિદ્યાર્થીનો દાવો
  • હું 10 વર્ષ નાનો છું, વીડિયો બનાવનાર યુવક હોસ્પિટલ બિછાને

Rajkot: શહેરમાં એક શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે આજે એક અત્યંત નાટકીય અને ગંભીર વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી વિદ્યાર્થીએ આજે સોશિયલ મીડિયા પર એક 16 મિનિટનો વીડિયો વાઇરલ કરી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

યુવકે વીડિયોમાં દાવો કર્યો છે કે, ડિવોર્સી શિક્ષિકાએ તેને માત્ર 'હિડન બોયફ્રેન્ડ' તરીકે રાખ્યો હતો અને વિદેશમાં સેટ થવા માટે રૂપિયા પડાવવાના ઈરાદે તેની સામે ખોટી ફરિયાદ નોંધાવી તેને બદનામ કર્યો છે. હાલ આ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર ઘટનાએ રાજકોટમાં ભારે ચકચાર જગાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દુષ્કર્મ કેસમાં ફસાયેલા વિદ્યાર્થીએ આજે 16 મિનિટનો એક વીડિયો બનાવીને વાયરલ કર્યાં બાદ દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયોમાં યુવકે પોતાની વ્યથા ઠાલવતા શિક્ષિકા દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવ્યા છે.

વીડિયોમાં વિદ્યાર્થીએ સમાજ અને લોકોને ન્યાય અપાવવા અપીલ કરતા જણાવ્યું છે કે, આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને મદદ કરશો. હું ઉંમરમાં તેનાથી 10 વર્ષ નાનો છું, જેની તેને સમજણ નહતી, પરંતુ સમાજમાં તેની બદનામી થવા લાગતા અને પોતાને વિદેશ સેટ થવા રૂપિયાની જરૂર હોવાથી તેણે મારી પાસે રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ન આપું તો દુષ્કર્મના કેસમાં ફસાવવા ધમકી આપતી હતી. મને બદનામ કરી મારા ફોટા વાઇરલ કર્યા હોવાથી હું દવા પી જાવ છું.

ગત તારીખ 23 માર્ચ, 2026ના રોજ નોંધાયેલી ફરિયાદ અંગે યુવકે રોષ ઠાલવતા જણાવ્યું કે, શિક્ષિકાએ મારી ઉપર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે. હું કોર્ટ અને કાનૂનમાં મારા આધાર પુરાવા રજૂ કરી દોષિત કે નિર્દોષ સાબિત થાવ એ પહેલા જ મીડિયામાં મારા ફોટા વાઇરલ કરી મને સમાજમાં દોષિત ઠેરવી દેવાયો છે.

ફેસબુક પરથી શરૂ થયેલા પરિચય વિશે યુવકે ખુલાસો કર્યો કે, ફેસબુક પર મેં રિક્વેસ્ટ મોકલી અને મેસેજ કર્યો હતો, પણ સામેથી નંબર અને મળવા માટેનો મેસેજ શિક્ષિકાએ જ કર્યો હતો. બધી વાતચીતો થતી, ત્યારે હું વિદ્યાર્થી છું એ સંબંધ તેને કેમ યાદ ન આવ્યો?

વધુમાં સોનું ચોરીને વેચી દેવાના આરોપ પર તેણે કહ્યું કે, મારી પાસે પુરાવા છે જેમાં તેણે સામેથી કહ્યું હતું કે, તે સોનું વેચીને મને રૂપિયા આપશે, કારણ કે મારી આર્થિક સ્થિતિ સારી નહતી. આ રૂપિયા આપતી વખતે તેણે મને મેસેજ પણ કરેલો છે કે 'આ પૈસા હું મારી મરજીથી આપું છું, મારે પાછા જોતા નથી. મને ચારધામની યાત્રા અને થાઈલેન્ડ ફરવા લઈ ગયાના આક્ષેપો પણ પાયાવિહોણા છે. જો મારી પાસે પૈસા જ હોત તો હું તેની પાસેથી શા માટે લઉં? મારી ઉપરના તમામ આરોપ ખોટા છે.